વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલની સામે રાધે ગેસ્ટ હાઉસની સામે બપોરના સમયે પીક અપ ડાલામાં બેઠેલા યુવકને લાફો મારી ગરદન દબાવીને કેફી પદાર્થ સુંઘાડીને ખીસ્સામાં રહેલા 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા આ બનાવ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેરાલુ તાલુકાના ડભોડા ગામના કિરણ નરસિંહભાઈ લુહાર તારીખ 13/09/2023ના રોજ ઘરે હાજર હતા. તે દરમિયાન બોકરવાડા ગામે રહેતા જયરામ દેસાઈએ ફોન કરી ભેંસો વેચવાની છે કહી જોવા માટે આવો તેવું જણાવ્યું હતું. કિરણ અને તેમના પિતા મહિન્દ્રા પિક અપ ડાલું લઈ ભાન્ડુ જવા માટે નીકળ્યા હતા. જેમાં કિરણના ડાબી બાજુના પેન્ટના ખિસ્સામાં 70,000 & જમણી બાજુના ખિસ્સામાં 40,000 હતા. બોકરવાડા ગામે ભેંસો જોઈ પરત ભાન્ડુ હાઇવે રોડ પર સહયોગ હોટલ આગળ આવી ઊભા રહ્યા જ્યાં એમના પિતા નરસિંહભાઈ & જયરામભાઈ દેસાઈ ભાન્ડુ ગામે ભેંસ જોવા ગયા ત્યારે કિરણ મહિન્દ્રા પિકઅપ ડાલામાં એકલા બેઠા હતા.
તે દરમિયાન અજાણ્યો ઇસમ ખાલી સાઈડ બાજુમાં આવેલી બારી પાસે આવી કિરણને લાફો મારી ગરદન પકડી નાક અને મોઢું કપડાથી દબાવી કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી ડાબી બાજુના પેન્ટના ખિસ્સામાંથી 70,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કિરણ એ વિસનગર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.