બાઇકચાલકે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
વિસનગર શહેરમાં અને ગામડાઓમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ફરી એકવાર વધુ એક બાઇક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એમ.એન.કોલેજ સામે આવેલા સિલ્વર બીચ કોમ્પલેક્ષ સામે પાર્ક કરેલી બાઇકની ચોરી થતા બાઇકચાલકે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતમાં કડા દરવાજા બહાર પરામાં રહેતા અમિતકુમાર રણછોડભાઈ પટેલ ગત 04/09/2023 ના રોજ બાઇક ઘરેથી લઈ આવી સિલ્વર બીચ કોમ્પલેક્ષ એમ.એન.કોલેજ સામે પાર્ક કર્યું હતું. જેમાં બાઇક પાર્ક કરી હાલના કામે એક ઓફિસમાં ગયા હતા અને કામ પતાવી બપોરે બહાર આવતા પાર્ક કરેલું બાઇક જગ્યા પર જોવા મળ્યું ન હતું. જેથી આજુબાજુ શોધખોળ કરતા પણ બાઇક મળી ન આવતા ઓનલાઇન ફરિયાદ નોધાવી હતી. જે ઓનલાઇન ફરિયાદને આધારે 34 હજારની કિંમતનું બાઇક ચોરી થતાં વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના બનતા પોલીસ ની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે.