પોલીસની ખોટી ઓળખાણ આપી વડનગરના યુવકનું અપહરણ કરી લાખો રૂપિયાની ખંડણી માગનાર આનંદ પટેલ અને શૈલેશસિંહ રાઠોડની અમદાવાદ ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ
વડનગર વિસનગર વિસ્તારમાં મોટાપાયે ડબ્બા ટ્રેડિંગનો ધંધો ફુલ્યો ફાલ્યો છે . માર્કેટ પ્લસ એપ્લિકેશનની મદદથી ટીપ્સ આપી શેર બજારમાં વધું પૈસા કમાવાની લાલચ આપી છેતરપીંડી કરવાના કેસોમાં વધારો થયો છે. જેના પરિણામે છાશવારે અલગ અલગ રાજ્યોની પોલીસ વડનગર, વિસનગર, ખેરાલુ વિસ્તારમાં ધામા નાખે છે ત્યારે આવી તકનો લાભ લઈ વડ્નગરના એક યુવકનું ક્રાઈમબ્રાંચના અધિકારીની ઓળખ આપી અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણાના વડનગર તાલુકમાં રહેતા 24 વર્ષીય જગદીશ ઠાકોર ગત 25 જુલાઈના રોજ ગામમાં દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ઘરે પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનોએ જગદીશના મિત્રોનો સપંર્ક કર્યો હતો, પરંતું જગદીશની કોઈ માહિતી મળી ન હતી. ત્યારે રાત્રીના સમયે જગદીશની પત્ની પર જગદીશનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મને પોલીસવાળા લઈ ગયા છે, તેઓ મને અમદાવાદ લઈ જાય છે, અમે હાલ વિજાપુર ચોકડી પાસે છે. તેમ જણાવીને ફોન કટ કરી નાખ્યો હતો.
- Advertisement -
ત્યારબાદ ફરથી રાત્રે 11:30 વાગ્યે જગદીશના નંબરથી ફોન આવ્યો હતો, ત્યારે સામે છેડેથી વાત કરનારે પોતાની ઓળખ સાઈબર ક્રાઈમમાંથી આપીને જગદીશ દલાલ સ્ટોકનું કામ કરે છે, તેના વિરૂધ્ધમાં અરજી આવી હોવાથી જગદીશ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. બે મહિના અગાઉ પણ જગદિશને કોઈ ગુન્હા બાબતે પોલીસે પુછપરછ કરીને છોડી દિધો હોવાથી પરિવારને લાગ્યું હતું કે, તે કેસમાં જગદીશને પોલીસ લઈ ગઈ હશે. પરંતુ બીજા દિવસે ફરીથી જગદીશની પત્ની પર ફોન આવ્યો અને જગદીશને છોડવા માટે પોલીસની ઓળખાળ આપનારાઓએ 25 લાખ રૂપિયાની માગણી કરીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ જગદીશનું અપહરણ થયું હોવાનું પરિવારજનોને લાગતા સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ઓળખાળ આપનારોઓને જગદીશના પરિવારજનો પાસેથી પૈસા ન મળતા 26 જુલાઈએ સાંજના સમયે પ્રાંતિજ ખાતે છોડી દેવામાં આવ્યો હતો.
આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર કેસનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર એસ. જે. જાડેજાની ટીમ દ્વારા આરોપી આનંદ પટેલ અને શૈલેશસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મહેસાણામાંથી જગદીશ ઠાકોરનું અપહરણ કરીને સ્કોર્પિયો કારમાં લઈ ગયા હતા અને ખંડણીની રકમ ન મળતા તેને છોડી દેવામાં આવ્યો હોવાની કબુલાત ઓરોપીએ કરી છે.