|

BHAKTISANDESH: ૨૨ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતમાં શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

BHAKTISANDESH: શ્રી વાળીનાથ મહાદેવ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે શ્રી વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રી ઉપસ્થિત રહેનાર છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહયો છે. આ મહોત્સવના છેલ્લા દિવસે પ્રધાનમંત્રીશ્રી સહિત મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર છે ત્યારે જાણીએ શ્રી વાળીનાથ મહાદેવ ઐતિહાસિક નૂતન શિવાલય ની વિશેષતાઓ અંગે….

શિવધામ તીર્થ ભૂમિ વાળીનાથ વિસનગર તાલુકાના તેમજ મહેસાણા જિલ્લાના લોકોના આસ્થાનું પ્રતીક છે શ્રી વાળીનાથ અખાડો….. જેનો ઈતિહાસ લગભગ ૯00 વર્ષ અતિ પ્રાચીન છે. જ્યાં ૫00 કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ શિવ તીર્થભૂમિ પર વિરમગિરીજી બાપુનું આગમન થયેલું પૂજ્યશ્રી વિરમગિરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા . ભક્ત તરભોવન રબારીજીના આગ્રહને વશ થઈને વિરમગિરીજી બાપુ અત્યારના વાળીનાથ ધામ ખાતે પધાર્યા હતા અને આ ભક્તરાજના નામ ઉપરથી ગામનું નામ તરભ પડ્યું….

તરભ પધારેલા વીરમગિરીજી બાપુ ને જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ અને ધુણીના દર્શન થતાં જમીનમાં દટાયેલી મૂર્તિ કાઢીને ધામધૂમપૂર્વક તેની પ્રતિષ્ઠા કરી તેમજ રાયણના વૃક્ષ નીચે અખંડ ધૂણી પ્રગટાવી હતી. તેનો આસ્થાળુ દર્શન કરવાનો લ્હાવો લેતા રહે છે. અહીં દરેક સમાજના લોકો આવે છે. માલધારી સમાજની અહીં ગુરુગાદી માનવામાં આવે છે અને માલધારી લોકો ગુરુસેવક તરીકે અહીં સેવા આપી રહ્યા છે. પૂજ્ય વિરમગિરીજી મહારાજના વિશેષ સેવાર્થીઓ માલધારી સમાજના લોકો રહ્યા છે.

VALINATHDHAM TEMPLE

એવી દંતકથા છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલા રમેલા ભગવાન શ્રીકૃષ્ણએ તેમની પહેરેલી નાક કે કાનની વાડીના સ્વરૂપના કારણે ઓળખી લીધેલા આથી અહીં ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું છે. વાળીનાથ ધામમાં માલધારીઓ ગુરુની પૂજા અર્ચનની વિશેષ આસ્થા ધરાવતા અને ત્યારે શ્રી બળદેવગીરીજી દ્વારા પુસ્તક પરબ શરૂ કરાઈ અને રબારી સમાજ માં શિક્ષણની જ્યોત જલાવી આ કારણે વાળીનાથ ધામ માલધારી સમાજનું વિશેષ આસ્થા સ્થાન છે.

ઉલ્લેખનીય છેકે શ્રી વાળીનાથાય નમ: મહાદેવ મંદિર આકાર લઇ રહ્યું છે. દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં….આકાર પામેલ અદ્ભૂત નયનરમ્ય… બેનમૂન-અજોડ-અલૌકિક નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર-અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલીંગની ઐતિહાસિક શિવધામ શ્રી વાળીનાથ મહાદેવની વિશેષતાઓ અનેરી છે.

આ અજોડ શિવાલય મુખ્ય ત્રણ શિખરનું આકાર પામેલ છે. જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ, જમણી બાજુએ બીજા ગુરૂશ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી પરામ્બા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા પામવાની છે. નાગરશૈલીમાં નવનિર્મિત આ ભવ્યાતિ-ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારતવર્ષના મશહુર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરીસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટભરી નકશીકામ દ્વારા આશરે ૧૦ વર્ષના અયાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામ્યુ છે. ૬૮ ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઉંચાઈ ૧૦૧ ફુટની છે. જેની લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે જેમા વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ ૧,૪૫,૦૦૦ ઘનફુટ છે.

આ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે.પથ્થરમાંથી આકાર પામેલ આ અદભૂત શિવાલયની ભવ્યતા અને દિવ્યતા દર્શનીય છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાય મહાદેવ મંદિર આજીવન શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.