|

BHAVNAGAR: મેડિકલ કોલેજના સ્ટુડેંટ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતાં ચકચાર

ભાવનગર મેડીકલ કોલેજના એક વિદ્યાર્થી સાથે ગત તા.12 મે ના રોજ કોલેજના જ પી.જી.કરતા એક ડોકટરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા આ અંગે મેડિકલ કોલેજના ડીન હેમંત મહેતાને જાણ કરવામાં આવી હતી

તેમની સુચના થી પોલીસ મથકે પણ અરજી આપવામાં આવી હતી પણ પોલીસે કોઇ પગલા ન લેતા રજુઆત કરવા ગયેલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી પરમારે “મજા આવે તો મજા લ્યો નહી તો દુર રહો’ એવો જવાબ આપતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપેલ છે.

આ અંગે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળુ મોડીરાત્રે નિલમબાગ પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો.

મેડિકલ કોલેજના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, “પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી કારણ કે આરોપી પૈસા પાત્ર છે.

ઉપરાંત આ વિદ્યાર્થી હજી જુનિયર છે. તેને વધુ કેટલાક વર્ષો આ કોલેજમાં ભણવાનું છે.બીજી બાજુ આરોપી ડો.હરિશ વૈયગએ ખુલ્લેઆમ કહ્યું કે મને આવી ટેવ છે. મેં અનેકને શિકાર બનાવ્યા છે અને હજુ વધુ કેટલાકને શિકાર બનાવીશ ‘ આ સંજોગોમાં વિદ્યાર્થીઓ ભયથી ફફડી રહ્યાં છે.

ત્યારે આવા લોકો સામે અને ઉડાઉ તથા અભદ્ર જવાબ આપનાર નિલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સામે દાખલારૂપ પગલા લેવાવા જોઇએ.

અન્યથા આ અંગે ઉગ્ર આંદોલન કરાશે. ભાવનગરમાં ગુનાખોરીનો આંક વધી રહ્યો છે પણ પોલીસ સબસલામત દેખાડવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેતી જ નથી તેવો પણ આક્ષેપ કરાયો છે

તેમજ પી.આઇના જવાબથી વિદ્યાર્થીઓ હતપ્રભ બની ગયા વિદ્યાર્થીઓના નેતાઓના જણાવ્યા મુજબ “તેમને પી.આઇ.એ જણાવ્યું હતું કે’ “આવુ તો બધુ ચાલ્યા કરે હું 12 માં ધોરણમાં હતો ત્યારે મારી સાથે પણ આવો બનાવ બન્યો હતો

પાણીની ડોલ ઢોળાય તો પાણીથી દુર ચાલવું પડે’ એક પોલીસ અધિકારીના આવા જવાબથી વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત અને હતપ્રભ બની ગયા છે.