ANAND: 14 વર્ષીય પરપ્રાંતિય કિશોરને બાળમજૂરી કરાવનાર વિરૂધ્ધ ગુનો નોંધાયો

Anand: આણંદના હાડગુડમાં એક દુકાનમાં બાળમજૂરી પકડાઈ જતા ચકચાર મચી છે. શ્રમ આયુક્ત કચેરીની ટીમે દરોડો પાડી, દુકાનમાં મજૂરીકામ કરતાં 14 વર્ષીય પરપ્રાંતિય કિશોરને મુક્ત કરાવી, ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યો છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે બાળમજૂરી કરાવનાર દુકાનના સંચાલક પર ગુનો નોંધાયો, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકો પાસે મજૂરીકામ કરાવવું ગુનો છે. છતાં કેટલીક દુકાનો, હોટલો, ઈંટોના ભઠ્ઠાના સંચાલકો બાળકો પાસે મજૂરીકામ કરાવી, સરકારી કાયદાના લીરેલીરાં ઉડાડી રહ્યાં છે. આણંદમાં પણ ઠેર-ઠેર બાળમજૂરીના દ્દશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે, વધતા જતી બાળમજૂરીને નાથવા જિલ્લા શ્રમ આયુક્ત કચેરીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા શ્રમ અધિકારી પ્રકાશભાઈ નિનામા સાથે સાત સભ્યોની ટીમે તપાસ દરમિયાન આણંદના હાડગુડમાં ઘંટીવાળા ફળીયામાં આવેલ દુકાનના સંચાલક મો.સનાઉલ્લા લીયાકતમીયાં પોતાની દુકાનમાં કિશોર પાસે બાળમજૂરી કરાવતાં હોવાનું જણાઈ આવ્યું. જેથી જિલ્લા શ્રમ અધિકારી અને તેમની ટીમ દ્વારા  દુકાને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં 14 વર્ષીય પરપ્રાંતિય કિશોર સાથે મજૂરીકામ કરાવાતું હોવાનું જણાઈ આવ્યું .જેથી ટીમે બાળમજૂરને દુકાનમાંથી મુક્ત કરાવી, આણંદ સ્થિત ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે શ્રમ અધિકારી પ્રકાશભાઈ નિનામાએ બાળમજૂરી કરાવનાર દુકાનના સંચાલક મો.સનાઉલ્લા લીયાકતમીયાં વિરૂધ્ધ આણંદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે મો,સનાઉલ્લા લીયાકતમીયાં વિરૂધ્ધ બાળમજૂર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 14(1) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.