|

ખેરાલુના હાટડિયામાં તંત્રે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું

Kheralu_Hatdiya

ભંગારના ગોડાઉનો સહિત ગેરકાયદેસર ઘરોના ભાગ તોડાયા

KHERALU: 21 જાન્યુઆરીના રોજ મહેસાણા (MAHESANA) જિલ્લાના ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ તા 7 ફેબ્રુઆરી 2024ના સવારે 8.30 કલાકે ખેરાલુ નગર પાલિકા તંત્ર દ્વારા શહેરના હાટડિયા વિસ્તારમાં સરકારી જમીનો પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

ભંગારના ગોડાઉનો સહીત રસ્તા પર ગેરકાયદેસર ઘરોના અમુક ભાગને પણ તોડી પડાયા છે. પાલિકાની સીટી સર્વે દ્વારા ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરાયા બાદ એક્શન હાથ ધરવામાં આવી હતી. કામગીરી કરતી વખતે ખેરાલુ (KHERALU) નગરપાલિકા તંત્ર અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો અને કામગીરી કરી રસ્તાને મોટા પ્રમાણમાં ખુલ્લો કરી દેવાયો છે. ખેરાલુના હાટડિયા બજારથી લઈને પંચમુખી હનુમાનજી મંદિર સુધી દબાણો હટાવાયા હતા.

તંત્ર દ્વારા કુલ ૨૨ એકમોને જાતે જ દબાણો હટાવી લેવા નોટીસ અપાય હતી જેની મુદત પુરી થતાં તંત્રએ પોલીસ કાફલાને સાથે રાખી હાટડીયાથી શરૂઆત કરી હતી. પાલિકાને અનેક વખત રજુઆતો કરવામાં આવતી હતી પણ કોઈ એક્શન લેવામાં આવતું ન હતું પરંતું હવે તંત્રએ કમર કસી લેતા દબાણોને હટાવી દીધા હતા જેથી મુખ્ય માર્ગ પર અવર જવર કરવામાં નાગરીકોને મોટી રાહત મળશે.