Festival: વિસનગરમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરાથી થાય છે, જ્યાં રંગોની બદલે ખાસડા અને શાકભાજીનો યુદ્ધ ખેલાય છે. આ પરંપરા લગભગ 200 વર્ષ જૂની છે અને ખાસ કરીને મંડી બજાર વિસ્તારની સાંકડી ગલીઓમાં માણી શકાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!શહેરના ઉત્તર અને દક્ષિણ ભાગના લોકો બે જૂથોમાં વહેંચાઈ જાય છે. ટાવર વિસ્તારની સાંકડી ગલીઓમાં આ જૂથો એકબીજા પર ખાસડા અને શાકભાજી ફેંકીને આ પરંપરાને જીવંત રાખે છે. સમયની સાથે, ખાસડાની જગ્યાએ રીંગણ, ટામેટા, દૂધી અને બટાટા જેવા શાકભાજીનો ઉપયોગ થવા લાગ્યો છે. લોકમાન્યતા અનુસાર, જે વ્યક્તિને ખાસડું વાગે તે વર્ષ દરમિયાન સૌભાગ્યશાળી રહે છે.

આ યુદ્ધ દરમિયાન વિવિધ સ્થળોએ ખજૂર ભરેલા ઘડા મૂકવામાં આવે છે. જે જૂથ આ ઘડા જીતે છે, તે આખા શહેરમાં ફરીને ખજૂર એકત્ર કરે અને લોકોમાં વહેંચે છે, જે હર્ષ અને ઉલ્લાસનું પ્રતિક છે. આ પરંપરાનો ઇતિહાસ પણ અત્યંત રસપ્રદ છે. અગાઉના સમયમાં આખું વર્ષ ભેગા કરેલા ખાસડા ધૂળેટીના દિવસે ઉપયોગમાં લેવાતા. વિસનગર માટે ગૌરવની વાત એ છે કે આજે સુધી આ યુદ્ધમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી. જશ્ન અને ઉમંગ સાથે ઉજવાતી આ પરંપરા વિસનગરની સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે, અને વર્ષોથી તે અનોખી ઉત્સાહભેર જીવંત રહી છે.
