|

WORLD : ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવા બદલ ભારતને અભિનંદનઃ કમલા હેરિસ

પીએમ મોદીએ ભારત-ઇસરોને શુભેચ્છા પાઠવવા માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો

વિશ્વના નેતાઓએ ભારત-ઇસરોને અભિનંદન પાઠવ્યા

વોશિંગ્ટનઃ ચંદ્રયાન-3ની સફળતા બાદ ISROને સમગ્ર વિશ્વમાંથી અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકાના નેતાઓ પણ ઈસરોને શુભેચ્છા પાઠવવામાં પાછળ નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવવા બદલ વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો.

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર કહ્યું કે ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ અને ઐતિહાસિક ઉતરાણ માટે ભારતને અભિનંદન. આ મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો માટે આ એક અવિશ્વસનીય સિદ્ધિ છે.

આ મિશનમાં અને મોટા પાયે અવકાશ સંશોધનમાં તમારી સાથે જોડાવા માટે અમે સન્માનિત છીએ. નાસાના અધિકારી બિલ નેલ્સને કહ્યું, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ISROને અભિનંદન. ચંદ્ર પર અવકાશયાનને સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર ચોથો દેશ બનવા બદલ ભારતને અભિનંદન. અમે આ મિશનમાં તમારા ભાગીદાર બનીને ખુશ છીએ.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશ પણ ભારતના ચંદ્ર મિશનની સફળતાની ઉજવણીમાં જોડાયું છે. વિજ્ઞાન અને અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ દક્ષિણ એશિયાના તમામ દેશો માટે ખૂબ જ ગર્વ અને પ્રેરણાની બાબત છે. શેખ હસીનાએ પણ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે શ્રીલંકાને પણ ભારતની ઐતિહાસિક સિદ્ધિ પર ગર્વ છે. તેમણે ચંદ્રયાન-3ની સફળતા પર વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન કહ્યું કે, ગઈકાલથી મને દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશો મળી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં, ભારતની આ સિદ્ધિને માત્ર એક દેશની નહીં, પરંતુ સમગ્ર માનવજાતની સફળતા તરીકે જોવામાં આવે છે. વિશ્વભરના ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન આપવાનો આ પ્રસંગ છે.

SOURCE : GUJARAT SAMACHAR