Mehsana: વિસનગરના ગટીયાવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળતાં દુર્ગંધ ફેલાઈ છે, અને રહીશો સ્વાસ્થ્ય અંગે ચિંતિત બન્યા છે. સ્થાનિક રહીશો મંગળવારે નગરપાલિકા કચેરીએ પહોંચી આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પ્રભારી પ્રમુખે તેમને ખાતરી આપી કે બુધવારે પાલિકાની ટીમ સ્થળ પર જઈ સમસ્યાનું નિરાકરણ લાવશે.

શહેરના લાલ દરવાજા નજીક આવેલા ગટીયાવાસમાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દુષિત પાણીના કારણે રોગચાળાની ભીતિ ઉભી થઈ છે.રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી ત્યાંના મુસ્લિમ સમુદાયને શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાત છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા રહીશોએ તાત્કાલિક ઉકેલની માંગ કરી.
નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે વોટર વર્ક્સ વિભાગના કર્મચારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. બુધવારે પાલિકા ટીમ ગટીયાવાસમાં જઈ ખોદકામ કરીને બંને લાઇનની તપાસ કરશે અને સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે.