Mehsana: વિસનગર APMC ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતીમાં એક મહત્વપૂર્ણ ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 158 ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ, 3 એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટર સેટ આપવામાં આવ્યા હતા.
2025 સુધીમાં “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સાકાર કરવા માટે વડાપ્રધાનની નિ:ક્ષય મિત્ર યોજના અંતર્ગત વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલે 158 ટીબી દર્દીઓને દત્તક લીધા છે. આરોગ્યમંત્રીએ એક નવતર પહેલ કરતાં જણાવ્યું કે સાજા થયેલા દર્દીઓ પાસેથી હાલના દર્દીઓને પ્રેરણાદાયી પત્રો લખવામાં આવશે, જેથી તેમને સારવાર માટે પ્રોત્સાહન મળે.
મંત્રીએ જણાવ્યું કે નિ:ક્ષય મિત્ર યોજના અંતર્ગત ટીબીના દર્દીઓની ઓળખ, સારવાર અને પોષણ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે વિસનગરને ટીબીમુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સગર્ભા માતાઓ માટેની યોજનાઓની પણ માહિતી આપી.
કાર્યક્રમમાં APMC ચેરમેન પ્રિતેશ પટેલ, કોમ્પ્યુટર સેટના દાતા ભૌમિક પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આરોગ્યતંત્રના અધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ સતીષ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.