Mehsana: આજના સ્પર્ધાત્મક અને માનસિક તણાવપૂર્ણ યુગમાં એકાગ્રતા, આત્મશ્રદ્ધા, ઉત્તમ વિચાર શક્તિ અને સમજણ કેળવીને આત્મવિશ્વાસથી ભરપૂર, દ્રઢ મનોબળ સાથે જગત સામે ઊભા રહેવાની અને બધા પડકારો જીલવાની શક્તિ સાથે આગળ આવે એવા યુવાનોની તાતી જરૂરિયાત છે.
Thank you for reading this post, don't forget to subscribe!કડી સર્વ વિશ્વવિદ્યાલય છેલ્લા ૧૫ વર્ષથી સ્વથી ઉપર ઊઠી અન્ય વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણ માટે આગળ આવે એવા યુવાનો તૈયાર કરવા માટે પાંચ દિવસીય “સર્વ નેતૃત્વ” નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરે છે જેની ૯૭મી સર્વ નેતૃત્વ શિબિર તા: ૨૯ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર યોજાઈ જેમાં ૧૫ કોલેજના ૭૨ વિદ્યાર્થીઓ મોબાઈલ થી પાંચ દિવસ દૂર રહી ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ પાંચ દિવસીય તાલીમ આપવા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ટ્રેનર કમ મોટીવેશનલ સ્પીકર શ્રી દીપકભાઈ પંડ્યા ઉપસ્થિત રહી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને કંફોર્ટ ઝોનમાંથી બહાર કાઢવાનો અને તેમનામાં નેતૃત્વ કૌશલ્યો વિકસે તે માટેની તાલીમ આપી હતી.
ટીમ બિલ્ડીંગ અને મેનેજમેન્ટ ગેમ્સ, સ્ટ્રકચરલ પ્રશ્નાવલી, યોગ, મેડીટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં માધ્યમથી યવનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાણવાનો, કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, મેનપાવર મેનેજમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ, Four Way Test નું મહત્વ, વિશ્વાસ, હકારાત્મક અભિગમ અને વિવિધ કેસ સ્ટડીની ચર્ચા થકી યુવાનોને માર્ગદર્શન પૂરું પડાયું હતું.
ડો. કપિલ ત્રિવેદી સાહેબ દ્વારા રોજ સવારે તમામ શિબિરાર્થીઓને યોગ, પ્રાણાયામ અને વિવિધ આસનોનું મહત્વ સમજાવી અનુભવ કરાયો હતો. શિબિરના સમાપન સમારોહમાં પ્રવીણ વાલેરા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવાની, સાઇબર સિક્યુરિટી જાગૃતિ અને માનસિક તંદુરસ્તી માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં સફળ સંચાલન અને સંકલન સર્વનેતૃત્વ કાર્યક્રમના કોઓર્ડીનેટર પ્રો.ડો. ધર્મેન્દ્ર પટેલ, પ્રા.સૂરજ મુંઝાણી,અને રાહુલ સુખડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ તાલીમાર્થી ધ્વની, જોયલ, કલ્પેશ, ફૈઝાન અને સીમા એ ભારે જહેમત ઊઠાવી હતી.