Mehsana: વિસનગર શહેરની ગોવિંદચકલા પટેલવાડી ખાતે રાજ્યકક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી યોજાઈ. આ અવસરે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું કે દરેક વ્યક્તિ ગ્રાહક છે અને તેને માત્ર અધિકારો જ નહીં, ફરજો પ્રત્યે પણ જાગૃત રહેવું જોઈએ. તેમણે GST બિલવાળી વસ્તુઓ ખરીદવા પર ભાર આપ્યો, કારણ કે આ બિલ ગ્રાહકોની સુરક્ષાનું પ્રતીક છે અને અન્યાય સામે ફરિયાદ નોંધવામાં સહાયરૂપ બને છે.

સાંસદ હરિભાઈ પટેલે ઉત્પાદનો પર હોલમાર્ક ચકાસણીના મહત્ત્વ પર પ્રકાશ નાખ્યો, જ્યારે નિયામક R. R. ગોહિલે 9થી 15 માર્ચ સુધી ઉજવાતા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહની માહિતી આપી. રાજ્ય સરકાર શાળા-કોલેજોમાં કાર્યરત કન્ઝ્યુમર ક્લબોને સહાય આપે છે.
આ પ્રસંગે CSR ફંડ હેઠળ તાલુકાના આરોગ્ય વિભાગને 16 અને શિક્ષણ વિભાગને 12 કોમ્પ્યુટર અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ભારતીય માનક બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર અજય ચંદેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.