Gujarat: અત્યાધિક ઉકળાટથી મહેસાણા જિલ્લામાં પશુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં હાલ 8.12 લાખથી વધુ દુધાળાં પશુઓ છે, જેમાં મુખ્યત્વે ગાય અને ભેંસનો સમાવેશ થાય છે. જિલ્લા નાયબ પશુપાલન નિયામક Dr. BD અમી દ્વારા પશુપાલકો માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્ણય આસપાસના જિલ્લાઓમાં ઉભી થયેલી હિટવેવ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે, જ્યારે મહેસાણા જિલ્લામાં પણ આગામી સમયમાં ગરમીમાં વધારાની શક્યતા જણાઈ રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!મુખ્ય માર્ગદર્શિકા મુજબ પશુઓને સાવચેતી પૂર્વક છાયડામાં રાખવા અને તેમને શુદ્ધ તેમજ ઠંડું પાણી પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવાનું કહેવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી પશુઓને બહાર ન લઈ જવાની પણ સૂચના અપાઈ છે. પશુઓના રહેઠાણમાં તાપમાન ઓછું રહે તે માટે છત પર ઘાસની ગજી ઢાંકી શકાય અથવા છતને સફેદ રંગથી રંગવાની ભલામણ કરવામાં આવી છે. તાજો લીલો ચારો વધુ માત્રામાં આપવામાં આવે તેમજ ખનિજ મિશ્રણનો નિયમિત ઉપયોગ કરવો એવી પણ સલાહ આપવામાં આવી છે.
મરઘાં ઉછેર કેન્દ્રોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ કેન્દ્રમાં પડદા લગાવે અને યોગ્ય હવા તથા પ્રકાશ વ્યવસ્થિત રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરે. ઉપરાંત, પશુઓને ચરાવવા માત્ર સવાર અને સાંજના સમયને પસંદ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.