Kankaria Carnival 2024: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અવસાનને પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાંકરિયા કાર્નિવલ અમદાવાદ શહેરનો એક લોકપ્રિય ઉત્સવ છે જે દર વર્ષે લાખો લોકોને આકર્ષે છે. આ વર્ષે પણ આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પૂર્વ વડાપ્રધાનના નિધનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ આગામી કાર્યક્રમો અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જેમ કે 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્નિવલમાં થનારી તમામ પ્રકારની ઉજવણીઓ રદ કરવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શો, જે પહેલા 1 જાન્યુઆરીએ શરૂ થવાનો હતો, રાષ્ટ્રીય શોકના કારણે તેની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે.
અમદાવાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડક દ્વારા જાહેર કરાયેલા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાનના કારણે “કાંકરિયા કાર્નિવલ 2024″ના 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જો કે, કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર માટે વિનામૂલ્ય પ્રવેશ યથાવત રહેશે.