BHAKI SANDESH: મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે આવેલા પ્રાચીન બહુચર માતાજીના મંદિર ખાતે હવે ભક્તો માટે એક નવું દર્શનિય આકર્ષણ ઉભું થયું છે. અહીં તાજેતરમાં 325 કિલોગ્રામ તાંબાથી બનાવેલું 21 ફૂટ ઊંચું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ત્રિશૂળ તેની ઐતિહાસિક વિશિષ્ટતા સાથે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત સ્થાપાયું છે.
Thank you for reading this post, don't forget to subscribe!આ ત્રિશૂળ આરસપહાણની પીઠિકા સાથે મળીને કુલ 31 ફૂટ ઊંચું છે. આ વિશાળ ત્રિશૂળના નિર્માણ પાછળ અંદાજે ₹27 લાખનો ખર્ચ થયો છે. મુંબઇ સ્થિત ઘુંટું-મોરબીના પ્રસિદ્ધ દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાના હસ્તે ત્રિશૂળનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોડા મંદિરના ચેરમેન કાળીદાસ પટેલ, ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ પરેશ પટેલ, બાબુભાઈ પટેલ અને આનંદના ગરબા મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ ઉત્સાહભેર ત્રિશૂળના દર્શન કરી માઇના આશીર્વાદ લીધા હતા.

ત્રિશૂળની સ્થાપનાને પૌરાણિક પૃષ્ઠભૂમિ પણ છે. માન્યતા મુજબ, સદીઓ પહેલા દંઢાસૂર નામના રાક્ષસે ઋષિ-મુનિઓને હેરાન કરતા દરમ્યાન બહુચર માતાજીએ બાળા સ્વરૂપે અવતાર લઇ ત્રિશૂળથી તેનું સંહાર કર્યું હતું. ત્રિશૂળને માતાજીનું મુખ્ય શસ્ત્ર માનવામાં આવે છે, તેથી તેની વિશેષ મહિમા છે. અગાઉ આવું જ ત્રિશૂળ રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાજીના મંદિરમાં જોવા મળતું હતું, જ્યારે હવે ગુજરાતમાં શંખલપુરમાં આ ત્રિશૂળ ભક્તોની આસ્થાનું પ્રતિક બની ઉભર્યું છે