Gujarat: અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના પ્રયાસમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં પડતાં બેના મૃતદેહ મળી આવ્યા છે, જયારે એક વ્યક્તિ હજી પણ ગુમ છે. બુધવારે સાંજે યક્ષ, યશ અને ક્રિશ સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા પહોંચ્યા હતા. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી, અને ત્રણેય લાપતા થઈ ગયા હતા. મોડી રાત સુધી શોધખોળ છતાં કોઈ પત્તો ન લાગ્યો. રાહત કામગીરી માટે રાત્રે કેનાલમાં પાણીનું પ્રવાહ બંધ કરાયું.
ગુરુવારે સવારે વિશાલા પાસે શાસ્ત્રીબ્રિજ નજીકથી યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો, જયારે ક્રિશ દવેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના પગલે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અકસ્માત પહેલા 10 મિત્રો રીલ બનાવતા જોવા મળે છે, જ્યારે બીજા એક વીડિયોમાં બચાવ કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા છે.
રીલ બનાવતા ગાડીનો સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
યક્ષ, યશ અને ક્રિશ રીલ બનાવવા માટે કેનાલ પાસે પહોંચ્યા હતા. કાર ચલાવતી વખતે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ગાડી સીધા કેનાલમાં ખાબકી. અકસ્માત પછી યુવકોને બચાવવા દોરડું ફેંકાયું હતું, પરંતુ ત્રણેય તેનો સહારો લઈ શક્યા નહોતા.
રાત્રે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડનું ઓપરેશન
ફાયર બ્રિગેડે રાત્રે 1 વાગ્યા સુધી કેનાલમાં બચાવ કામગીરી ચલાવી હતી. તાત્કાલિક પગલાં રૂપે કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાવાયું હતું. ગુરુવારે સવારે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
પરિવારજનોમાં આક્રંદ, સુરક્ષા માટે રજૂઆત
યુવાનોના મૃતદેહ મળતા તેમના પરિવારોમાં શોક છવાઈ ગયો. ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું કે, કેનાલ પર સુરક્ષા માટે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવશે. હજુ સુધી ક્રિશ દવેનો કોઈ પત્તો લાગ્યો નથી, અને તેની શોધખોળ સતત ચાલુ છે.