Festival: રાજ્યના પ્રવાસન વિભાગ અને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા ગંતવ્ય તરીકે વિકસાવવાની પહેલ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે 24થી 26 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લાઇવ કોન્સર્ટ, લેઝર શો અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો નજારો પ્રવાસીઓ માણી શકશે. આ ફેસ્ટિવલ માટે જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજનની તૈયારી તપાસી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલા અહેમદપુર માંડવી બીચમાં પ્રવાસન ઉદ્યોગ માટે વિશાળ તકો છે. હાલ તે ઓછું જાણીતા સ્થળ તરીકે ગણાય છે, પરંતુ ગીર સોમનાથ કલેક્ટરે અહીં પ્રવાસન માટે નવી શક્યતાઓ ઉભી કરવા બીચના વિકાસનું બીડું ઝડપ્યું છે. બીચની આકર્ષક ટબલીઓ અને સંસ્કૃતિક પરેડ સહિતના આયોજનથી બીચને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રથમ વખત અહીં બોટ પર સાંસ્કૃતિક ટેબ્લોની પરેડનું આયોજન થશે. સાથે જ લાઇવ કોન્સર્ટ, લેઝર શો અને ફૂડઝોનની મજા પણ પ્રવાસીઓને ઉપલબ્ધ થશે. ગીર સોમનાથ કલેક્ટરએ જણાવ્યું કે, બીચ પર ડોલ્ફિન માછલીઓ જોવા જેવી અનોખી તક છે અને દરિયાઇ આધારિત વોટર સ્પોર્ટ્સ માટે પણ ઉત્તમ સંભાવનાઓ છે. ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલના કારણે અહેમદપુર માંડવી બીચને નવી ઓળખ મળશે અને રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. આ ફેસ્ટિવલ ગીર સોમનાથમાં પ્રવાસનના ક્ષેત્રે મોખરાનું પ્રેરક ઉદાહરણ સાબિત થશે.