World: મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓએ ઝફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરી હતી, જેમાં 500થી વધુ મુસાફરો સવાર હતા. હુમલા દરમિયાન અંધાધૂંધ ગોળીબારમાં અનેક મુસાફરો ઘવાયા હતા. બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી, જ્યારે પાકિસ્તાની સેના, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવી દીધા. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલો જવાબદારી લીધી છે અને 214 મુસાફરોને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!પાકિસ્તાનના આરોપ અને ભારતનો ઉલ્લેખ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે આ ઘટનાનો આરોપ ભારત પર મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે, આ હુમલાનું ષડયંત્ર અફઘાનિસ્તાનમાં ઘડાયું છે અને ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને BLAને સમર્થન આપી રહ્યું છે.
ઝફર એક્સપ્રેસ ક્યોટાથી પેશાવર જઈ રહી હતી ત્યારે ગુડાલાર-પીકુ કુનરીની પહાડીઓમાં એક ટનલ નજીક મોટો વિસ્ફોટ થયો. વિદ્રોહીઓએ ટ્રેન રોકીને ગોળીબાર શરૂ કર્યો. 15 કલાક સુધી ટ્રેન હાઇજેક રહી હતી. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે, 100થી વધુ યાત્રીઓને મુક્ત કરાવવામાં આવ્યા છે, પણ સુરક્ષિત બહાર આવેલા મુસાફરોએ જણાવ્યું કે વિદ્રોહીઓએ જ તેમને મુક્ત કર્યા છે.
રાણાએ અફઘાન સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, જો તે પાકિસ્તાન વિરોધી તત્વોને આશરો આપશે, તો પાકિસ્તાન કાર્યવાહી કરશે. તાજેતરના હુમલાથી પાકિસ્તાનમાં ચિંતાનો માહોલ છે, અને સરકાર પર નિષ્ફળતા માટે સવાલો ઊભા થઈ રહ્યા છે.