Entertainment: પાટનગર ગાંધીનગરમાં આ વખતે ધુળેટી પર્વની ઉજવણી એક અનોખી શૈલીમાં કરવામાં આવી. મુંબઈની પ્રસિદ્ધ ડીજે પર્લ એન્ડ ગ્રુપે ‘રંગરેવ’ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં યુવાનોની ભીડ ઉમટી. કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીએ પણ વિશેષ હાજરી આપી અને પોતાના લોકસંગીતના તાલે યુવાનોને ઝૂમાવ્યા. આયોજકો દ્વારા કેમિકલ ફ્રી રંગોનો ઉપયોગ કરીને ઉજવણી કરી, જેથી પર્યાવરણ અનુકૂળ હોળી-ધુળેટી ઉજવાઈ.
કાર્યક્રમમાં રેઇન ડાન્સ અને મુલતાની માટીથી તૈયાર કરાયેલા મડ સેટઅપ યુવાનો માટે ખાસ આકર્ષણ બન્યા. ગાંધીનગરના એક ફાર્મહાઉસ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા અને ડીજેના સંગીત પર ધમાલ મચાવી. પાટનગરમાં આવા વિશિષ્ટ આયોજનોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે કે યુવાનો પરંપરાગત પર્વોને આધુનિક સ્પર્શ સાથે ઉજવતા આનંદ અનુભવે છે.