INDIA: ડિજિટલ પેમેન્ટથી સામાન્ય લોકો માટે જીવન સરળ બન્યું છે, પરંતુ હવે આ સુવિધા થોડા સમય માટે અવરોધાઈ શકે છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પંપ માલિકોએ 10 મે એટલે કે આવતીકાલથી પેટ્રોલ પંપ પર UPI સહિત તમામ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગ્રાહકો માત્ર કેશ પેમેન્ટ દ્વારા જ ઈંધણ ખરીદી શકશે.
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ થકી વધતી જતી સાયબર છેતરપિંડીના કારણે આ પગલું ભરવું પડ્યું છે. અનેક ઘટનાઓમાં ફ્રોડસ્ટરો ગ્રાહકોના કાર્ડ કે નેટબેંકિંગ હેક કરીને પેમેન્ટ પોતાની એકાઉન્ટમાં જમા કરાવે છે, જેના કારણે ખરેખર પેમેન્ટ થયાની પુષ્ટિ ન થતા ડીલરોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
ફેડરેશન ઓફ ઓલ મહારાષ્ટ્ર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અમિત ગુપ્તાએ માહિતી આપી હતી કે, ડિજિટલ પેમેન્ટ સંબંધિત ફ્રોડ બાદ પોલીસ ઘણી વખત ટ્રાન્ઝેક્શન રદ કરાવે છે, જેના કારણે પેટેલ પંપ માલિકોના ખાતા બ્લોક થઈ જાય છે અને તેઓ વધુ પડતું નુકસાન ભોગવે છે.
નાસિકના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ વિજય ઠાકરેએ પણ જણાવ્યું કે, હાલ મળતી ફરિયાદોના આધારે આ નિર્ણય લેવાયો છે. અગાઉ આ પ્રકારના ફ્રોડનો પ્રમાણ ઓછું હતું, પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં આ ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ નિર્ણય મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર અમલમાં આવી રહ્યો છે. જો સરકાર દ્વારા સાયબર સુરક્ષા અંગે ચોક્કસ પગલાં લેવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે.