Education: કડી સર્વ વિશ્વવિદ્યાલયે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના સેક્ટર-૨૩ સ્થિત બ્રહ્માણી મેમોરિયલ હોલમાં ત્રણદિવસીય નિવાસી “યુવાગીતા” કાર્યશાળાનું સફળ આયોજન કર્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના તાર્કિક અને આધ્યાત્મિક તત્ત્વો આધુનિક યુવાનોને જીવનમાં તેજસ્વી, પરાક્રમી અને નિષ્ઠાવાન બનવામાં સહાયક બનશે એ ઉદ્દેશથી આ કાર્યશાળા યોજાઈ હતી.
Thank you for reading this post, don't forget to subscribe!
કાર્યશાળામાં સર્વ વિશ્વવિદ્યાલયની ૧૭ કોલેજોના ૭૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ રજાઓ વચ્ચે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મુખ્ય પ્રબોધક તરીકે ઊંઝાના કરલી ગામના વતની શ્રી ઉર્વીશ પટેલે ગીતાજીના ૧૮ અધ્યાયોની ઊંડી સમજ સાથે વિદ્યાર્થીમિત્રોને માર્ગદર્શન આપ્યું. તેમણે ગીતાનું તત્વજ્ઞાન વ્યક્તિના અંગત, કુટુંબિક, વ્યવસાયિક અને આધ્યાત્મિક જીવનમાં કેટલું પ્રાસંગિક છે તે વિસ્તૃત રીતે સમજાવ્યું.

શ્રી ઉર્વીશ પટેલે કહ્યું કે, “करिष्ये वचनं तव” જેવો નિર્ધાર આજના યુવાનમાં હોવો જોઈએ. ગીતાજીનું ધાવણ નાચિકેત સમાન વિરક્તિ, વિચક્ષણતા અને દ્રઢ નિષ્ઠા ઉભી કરે છે, જે આજે બહુજ આવશ્યક છે. કાર્યશાળાને જીવંત બનાવવા માટે શ્લોક પઠન, વીડિયો પ્રેઝન્ટેશન, સૂર્યનમસ્કાર, પરિવાર પ્રાર્થના, વિચાર ગોષ્ઠી અને રમતો જેવા વિવિધ સ્ફૂર્તિદાયક કાર્યક્રમો યોજાયા. અંતે સામૂહિક ગીતાજી આરતી અને પ્રમાણપત્ર વિતરણ સાથે કાર્યક્રમનો સમાપન થયો.

કાર્યશાળાનું આયોજન કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રમુખ શ્રી વલ્લભભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમાપન સત્રમાં ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ કૉલેજના આચાર્ય ડૉ. લલિત પટેલ, પ્રબોધક શ્રી ઉર્વીશ પટેલ, શ્રી ગિરીશ શર્મા, હૉસ્ટેલ કો-ઓર્ડિનેટર શ્રી કુમાર પંડ્યા તથા નેતૃત્વ કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.