Bhakti Sandesh: છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મ અને અન્ય સંપ્રદાયોને લઈને વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સુરત શહેરમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્વામી જ્ઞાનપ્રકાશે સેવાના ભેખધારી જલારામ બાપા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે દાવો કર્યો કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લીધા હતા. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતે યોજાયેલી સંત સભામાં પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે જલારામ બાપાને લગતું વિવાદિત નિવેદન આપ્યું હતું.
Thank you for reading this post, don't forget to subscribe!જલારામ બાપાના ભક્તોમાં રોષ
સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલા નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તો અને લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વિરપુર સ્થિત જલારામ બાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “જલારામ બાપાએ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી, અને આ બાબત લાખો ભક્તો માટે સત્ય છે.” જલારામ બાપાની ગાદીપતિના પરિવારજનો અને ભક્તોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનને સમર્થન આપતા નથી.
જ્ઞાનપ્રકાશ સ્વામીની માફી
વિવાદ વધતા, સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માંગીને કહ્યું કે, “મારે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો. જે વાત મેં વાંચી હતી તે જ મે મારા પ્રવચનમાં રજૂ કરી હતી. જો કોઈને આ કારણે દુઃખ થયું હોય, તો હું દિલગીર છું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “વિડિયો હું તાત્કાલિક ડિલીટ કરી રહ્યો છું.”
વિવાદ અને વિરોધ
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે રઘુવંશી સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. વાયરલ થયેલા વીડિયોને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. વિરપુર જલારામ મંદિરના વેપારીઓ, આગેવાનો અને સરપંચે સ્વામીના નિવેદનને ખોટું ઠેરવ્યું અને માફી માંગવાની માગ ઉઠાવી. વિરપુરના સરપંચે જાહેરાત કરી કે, “આવતીકાલે એક બેઠક યોજી, આ મામલે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.” આ વિવાદ બાદ હમણાં માટે તો સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માગી છે, પરંતુ આ મામલો કેટલી હદ સુધી જાય છે તે જોવું રહેશે.