World: ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું. આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે (18 માર્ચ) ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગ્યા
ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. 18 માર્ચે સવારે 8:35 વાગ્યે, સ્પેસક્રાફ્ટ હેચ થયું, એટલે કે દરવાજો બંધ થઈ ગયો. 10:35 વાગ્યે અવકાશયાન ISSથી અલગ થઈ ગયું. ડીઓર્બિટ બર્ન 19 માર્ચના રોજ સવારે 2:41 વાગ્યે શરૂ થયું. એટલે કે, અવકાશયાનનું એન્જિન ભ્રમણકક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું હતું. આના કારણે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઊતર્યું.
8 દિવસના મિશનમાં 9 મહિનાથી વધુ સમય લાગ્યો
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઇંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. આ મિશનનો હેતુ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. અવકાશયાત્રીઓએ અવકાશ મથક પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા બાદ, તેમનું 8-દિવસનું મિશન 9 મહિનાથી વધુ લંબાવવામાં આવ્યું.