Crime: સિહોરના ઘાંઘળી ગામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધાની ગળું દબાવી નૃશંસ હત્યા કરવાના કેસમાં દિશાંત ગૌસ્વામી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે વૃદ્ધા પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુતા હતા. લાંબા સમય સુધી કોઈ હલચલ ન થતાં અને તેઓ બેશુદ્ધ અવસ્થામાં હોવાને કારણે પાડોશીઓને શંકા જતા તેઓ વૃદ્ધાને જગાડવા પહોંચ્યા. અનેક પ્રયાસો બાદ પણ કોઈ પ્રતિસાદ ન મળતાં તાત્કાલિક રીતે તેમને સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યા.
Thank you for reading this post, don't forget to subscribe!
પોલીસ તપાસ દરમિયાન વૃદ્ધાના ગળા પર લિસોટાના નિશાન અને કાનમાંથી લોહી નીકળ્યાના અણસાર મળ્યા, જેને પગલે ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો. વધુ તપાસમાં તેમના પર દુષ્કર્મની શંકા ઊભી થતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો. તપાસના આધારે પોલીસે દિશાંત ગૌસ્વામીની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટર: વિપુલ બલયા, સિહોર