World: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી, મુમુક્ષુઓની શ્રદ્ધા અને આસ્થાનું પ્રામુખ્ય કેન્દ્ર છે. આ મંદિરમાં શ્રી સ્વામિનારાયણના શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે શ્રી ઘનશ્યામ મહારાજના 72મા પ્રતિષ્ઠોત્સવ અને સ્વામિનારાયણ મહામંત્રની 223મી પ્રાગટ્ય જયંતિનો ભવ્ય આભાસ કરાવતો ઉત્સવ ઉજવાયો હતો. આ વિશિષ્ટ તહેવાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય, જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સુનેતૃત્વ હેઠળ દબદબાભેર સમ્પન્ન થયો.
Thank you for reading this post, don't forget to subscribe!શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના 72મા પ્રતિષ્ઠોત્સવ અને સ્વામિનારાયણ મહામંત્રની 223મી પ્રાગટય જયંતિને ઉજવવા ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આચાર્ય સ્વામી મહારાજની નિશ્રામાં યોજાયો હતો, જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ અબજીબાપાશ્રીના વચનામૃતોની સમૂહ પારાયણ, ભક્તિ સંગીત, ષોડશોપચારપૂર્વક પૂજન અને અર્ચન, તેમજ અન્નકૂટ આરતી સહિતના આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા.
આ પવિત્ર અવસરે રોહિત વઢવાણા, કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર અને મોના વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રોહિત વઢવાણા જુલાઈ 2022થી UNEP અને UN-Habitatમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ નવી દિલ્હીના વિદેશ મંત્રાલયમાં ગલ્ફ ડિવિઝનમાં અન્ડર સેક્રેટરી તરીકે પણ જવાબદારીઓ નિભાવી છે.
રોહિત વઢવાણાએ જણાવ્યું હતું કે, “મને શ્રી સ્વામિનારાયણ ગાદીની નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદારના પાવન આશીર્વાદ તથા સાનિધ્યમાં બેસવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો છે.” આ પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે રોહિત વઢવાણાને પુષ્પ હાર પહેરાવી, કુમકુમનો ચાંલ્લો કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને સ્વામિનારાયણ મહામંત્રની 223મી પ્રાગટય જયંતિના ઉજવણીમાં, આચાર્ય સ્વામી મહારાજની નિશ્રામાં ઈસ્ટ આફ્રિકાના નાનાંમોટા, યુવાનો અને બાળહરિભક્તોએ સાથે મળીને શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હસ્તલેખન કર્યું હતું. કુલ 200 ભાવિક હરિભક્તોએ ત્રિભાષામાં આ વિશેષ લેખન પૂરું કર્યું. શિક્ષાપત્રીના કુમકુમથી રંગબેરંગી કાગળના હસ્તલેખન સાથે સ્વામિનારાયણબાપા અને સ્વામીબાપાને વાઘા, હાર, ધ્વજ, કળશ, ચમર, અબદાગીરી, છત્ર, ઓરિગામી તોરણ અને પંખા જેવા શણગાર પહેરાવવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરનો લાભ કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, રુંવાંડાં, અમેરિકા અને યુ.કે. સહિત અનેક દેશોના હરિભક્તોએ ઉલ્લાસપૂર્વક લીધો હતો.