Banaskantha: ગતરોજ થરાદ ST ડેપો ખાતે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ, જિલ્લા RTO અને ST ડેપો દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ડ્રાઈવર-કંડકટરો અને મુસાફરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્યારના માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ માનસિક ટેન્શન અને સલામતી ઉપકરણોની ઉણપ હોવાનું જણાવીને, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવાની જરૂરીયાત પર ભાર મૂકવામાં આવ્યો. ટ્રાફિક નિયમોનું પાલન, વાહન વ્યવહારના સલામતીના નિયમો અને માર્ગ સલામતીના મહત્વ પર પણ પ્રખર પ્રકાશ પાડવામાં આવ્યો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર ડિવિઝનના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી, પાલનપુર આરટીઓ દિનેશભાઈ ચૌધરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના કુરેશી સાહેબ સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર-કંડકટરો ઉપરાંત મુસાફરોની સક્રિય હાજરીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ અંતે માર્ગ સલામતી માટે સપથ લેવડાવવામાં આવ્યા, જે સૌને માર્ગ અકસ્માત નિવારણ અને સુરક્ષિત સફર માટે પ્રોત્સાહિત કરે છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ