Health: ગુજરાતમાં હાલ 3 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયા લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું નથી, જેના કારણે રક્તસ્ત્રાવ થવાની શક્યતા વધી જાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી, તેથી તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર યોગ્ય સારવાર આપવી જરૂરી છે.
હિમોફિલિયા: જન્મજાત બીમારી અને તેના કારણો
હિમોફિલિયા એક જન્મજાત બીમારી છે, જે માતા-પિતાના જનીનોમાંથી સંતાનમાં સંક્રમિત થાય છે. આ રોગમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે, જેના કારણે લોહી ઝડપથી જામતું નથી. લોહીમાં કુલ 13 પ્રકારના ક્લોટિંગ ફેક્ટર હોય છે, જેમાં ફેક્ટર 8 અથવા 9 ખામીયુક્ત હોય તો હિમોફિલિયા થવાની સંભાવના રહે છે. હિમોફિલિયા ત્રણ મુખ્ય પ્રકારના હોય છે – ટાઈપ A (છ), ટાઈપ B (મ્) અને ટાઈપ C (ભ). ગંભીરતાના આધારે તેને સિવિઅર, મોડરેટ અને માઈલ્ડ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દર 10,000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને હિમોફિલિયા થાય છે.
ગુજરાતમાં મફત ઇન્જેક્શન સારવાર
હિમોફિલિયાના દર્દીઓને લોહી વહેતું બંધ થાય એ માટે જરૂરી ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન આપવામાં આવે છે. ગુજરાત સરકારે 2012થી સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાના દર્દીઓને મફત ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું છે. હિમોફિલિક વ્યક્તિ માટે એક ઇન્જેક્શનની કિંમત આશરે ₹25,000 થી ₹30,000 હોય છે, જેનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 11,800થી વધુ ફેક્ટર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પુરુષોમાં રોગ, મહિલાઓમાં વાહક બનવાની શક્યતા
હિમોફિલિયા વારસાગત હોવાને કારણે પુત્રોમાં આ બીમારી થવાની સંભાવના 50%, જ્યારે પુત્રીઓમાં વાહક બનવાની શક્યતા 50% હોય છે. તેથી, આ બીમારી અંગે જાગૃતિ અને સમયસર સારવાર ખૂબ જ અગત્યની બની રહે છે.