India: મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે ૮ માર્ચ ૨૦૨૫ના રોજ શિક્ષણ, વિજ્ઞાન, કલા, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રોમાં નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ ઈંગ્લેન્ડ એવોર્ડથી નવાજવાનો કાર્યક્રમ યોજાયો.
આ અવસરે, ભારત સરકારની વિવિધ ક્વિઝ, સામાન્ય જ્ઞાન ક્વિઝ, તેમજ દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે યોજાયેલા વેબિનારમાં ભાગ લઈ કુલ ૩૩૦૦ ઓનલાઈન સર્ટિફિકેટ પ્રાપ્ત કરી અનોખું રેકોર્ડ સ્થાપનારા અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રખ્યાત ટીવી કલાકાર અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા કમલ ધીમતીરોય તથા બોલીવુડના ફેશન આઈકોન વિશાલ કપૂરના હસ્તે કાદરભાઈ મનસુરીને મેડલ પહેરાવી, એવોર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું. વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ ઈંગ્લેન્ડના આયોજક સંજય પંજવાણી અને અંધજન મંડળ, વિસનગરની માનદ્દ મંત્રી શ્રીમતી હસુમતીબેન હાલારીએ પણ કાદરભાઈ મનસુરીની આ સિદ્ધિ માટે તેમને હાર્દિક અભિનંદન આપ્યા.