Gujarat: ગાંધીનગરમાં છેલ્લા સપ્તાહથી ભારે ગરમી અને ભેજના કારણે લોકો ઉકળાટ અનુભવતા થયા છે. ગુરુવારે તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે શુક્રવારે 41.1 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આવા દાઝતા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 25 મે પછી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનાર ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
Thank you for reading this post, don't forget to subscribe!રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તીવ્ર ગરમીનો માર જોવા મળી રહ્યો છે. 17 મે પછી અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. ગરમી બાદ કમોસમી વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો છે અને હાલ 38.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગે હિટ વેવની ચેતવણી આપી છે.
અમરેલી જિલ્લામાં 15થી 20 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી છે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને પાકને સલામત સ્થળે ખસેડવા અને પ્લાસ્ટિકથી ઢાંકવાની સલાહ આપી છે. સાથે જ, આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા જણાવાયું છે. ખરાબ હવામાનના લીધે APMC વેપારીઓને પણ ચેતવણી અપાઈ છે કે ખેતપેદાશોને સુરક્ષિત રાખે અને નવા પાકનો વેચાણ ટાળે. વધુ માહિતી માટે ખેડૂતો કિસાન કોલ સેન્ટર (18001801551)નો સંપર્ક કરી શકે છે.
લૂથી બચવા હવામાન વિભાગની સલાહો
લૂથી બચવા માટે હવામાન વિભાગે જનતાને સીધા સૂર્યપ્રકાશથી બચવાની, પૂરતું પાણી પીવાની અને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે. લીંબુ પાણી, છાસ, નાળિયેરનું પાણી અને O.R.Sનું સેવન પર ભાર મૂકાયો છે.