Education: અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કરવામાં આવ્યો છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ આરોપ મૂક્યો છે કે રંજની હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતી અને હમાસને ટેકો આપતી હતી. વિઝા રદ થયા પછી, રંજનીએ 11 માર્ચે અમેરિકા છોડી દીધું.
DHS અનુસાર, રંજનીએ F-1 વિદ્યાર્થી વિઝા હેઠળ શહેરી આયોજનમાં ડોક્ટરેટ માટે કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે 5 માર્ચે તેનું વિઝા રદ કર્યું. DHS સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે, “કોઈ વ્યક્તિ જો હિંસા અને આતંકવાદને સમર્થન આપે છે, તો તેને આ દેશમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં.”
કોલંબિયા યુનિવર્સિટી પર વહીવટીતંત્રની કાર્યવાહી
ગયા અઠવાડિયે, ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિવર્સિટી સામે કડક પગલાં ભર્યા અને 400 મિલિયન US ડોલરની ગ્રાન્ટ રદ કરી. યુનિવર્સિટી પર યહૂદી વિદ્યાર્થીઓ સામે થતું ઉત્પીડન રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂકાયો છે.
US શિક્ષણ વિભાગ, આરોગ્ય અને માનવ સેવા વિભાગ, ન્યાય વિભાગ અને જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવી યુનિવર્સિટીઓને ફેડરલ ગ્રાન્ટ પાછી ખેંચવાની ચેતવણી આપી છે, જે યહૂદી વિદ્યાર્થીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે અને વિરોધ પ્રદર્શનો પર નિયંત્રણ ન રાખી શકે. કોલંબિયા યુનિવર્સિટી જ્યુડિશિયલ બોર્ડે ગાઝા વિરોધ પ્રદર્શન દરમિયાન હેમિલ્ટન હોલ પર કબજો જમાવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લીધા છે.
પેલેસ્ટિનિયન વિદ્યાર્થીઓની ધરપકડ
US ઇમિગ્રેશન અધિકારીઓએ પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન વિદ્યાર્થિની લેકા કોર્ડિયાની ધરપકડ કરી છે. લેકા 2022થી એક્સપાયર થયેલા સ્ટુડન્ટ વિઝા પર રહેતી હતી અને એપ્રિલ 2024માં કોલંબિયા યુનિવર્સિટીના હમાસ સમર્થક પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.
અત્રે વધુમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મહમૂદ ખલીલની ધરપકડ કરી છે. ખલીલ પર ઇઝરાયલ વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવાનો આરોપ છે. ઇમિગ્રેશન અધિકારીઓએ ખલીલને ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યો છે. ખલીલ પેલેસ્ટિનિયન મૂળનો છે અને યુનાઇટેડ સ્ટેટ્સનો કાયમી નિવાસી છે.