India: હૃદયરોગ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, કાન, નાક અને ગળાની તકલીફ સહિતની 900થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં 1 એપ્રિલ 2025થી વધારો થનાર છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ (NPPA) આ ભાવ વધારાને મંજૂરી આપી છે. ડાયાબિટીસ અને ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો લગભગ 1.75% સુધીનો રહેશે. દર વર્ષે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)ના આધારે NPPA દ્વારા આ ભાવ સુધારો કરવામાં આવે છે.
ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં 16(2) મુજબ, દવા ઉત્પાદકોને WPIના વધારા અનુસાર તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. 2024ના WPIના વધારાને આધારે 2025 માટે આ સુધારો લાગુ કરવામાં આવશે. મેન્યુફેક્ચરર્સ માટે જરૂરી દવાઓના ભાવમાં સુધારો કરવા માટે NPPAની આગોતરી મંજૂરી લેવાની જરૂર નથી. જો વધારાની રકમ નિર્ધારિત મર્યાદાથી વધારે હોય, તો તેમને NPPA સમક્ષ રજૂઆત કરવી પડશે.
સ્ટેન્ટના ભાવમાં પણ વધારો
હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા બેર મેટલ સ્ટેન્ટની કિંમત 10,993 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે લોહીમાં દવા છોડતા સ્ટેન્ટની કિંમત 38,933 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં થયેલા વધારાને આધારે સ્ટેન્ટના ભાવમાં 200 થી 790 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જોકે, સ્ટેન્ટના ભાવમાં ઘટાડા બાદ હોસ્પિટલોમાં પ્રોસિજર ચાર્જમાં વધારો થતો જોવા મળ્યો છે, જેના કારણે દર્દીઓએ વધુ ખર્ચ વહન કરવો પડશે.
- એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓના નવા ભાવ
- એઝિથ્રોમાઈસિન 250 એમજીની ટેબ્લેટની મહત્તમ કિંમત 11.87 રૂપિયા અને 500 એમજીની ટેબ્લેટની કિંમત 23.98 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એન્ટિબેક્ટેરિયલ ડ્રાય સિરપ એમોક્સિસિલીન અને ક્લેવાલાનિક એસિડની મહત્તમ કિંમત 2.09 રૂપિયા પ્રતિ મિલિલીટર રહેશે. એન્ટિવાયરલ દવા એસિકલોવિર 200 એમજીની ટેબ્લેટનો મહત્તમ ભાવ 7.74 રૂપિયા અને 400 એમજીની ટેબ્લેટનો ભાવ 13.90 રૂપિયા નક્કી થયો છે. એન્ટિમેલેરિયા દવા હાઈડ્રોક્લોરોક્વિન 200 એમજીની ટેબ્લેટ માટે 6.47 રૂપિયા અને 400 એમજી માટે 14.04 રૂપિયા મંજુર થયા છે.
- પેઇનકિલર્સ અને અન્ય દવાઓના નવા ભાવ
- વેદનાશામક દવાઓમાં ડાયક્લોફેનાક ટેબ્લેટની મહત્તમ કિંમત 2.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઈબુપ્રોફેન 200 એમજીની ટેબ્લેટ માટે 0.72 રૂપિયા અને 400 એમજીની ટેબ્લેટ માટે 1.22 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી ડપાગ્લિફ્લોઝિન, મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ અને ગ્લિમિપ્રાઈડની ટેબ્લેટ દીઠ કિંમત 12.74 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
- નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન (NLEM)માં અન્ય દવાઓનો સમાવેશ
- NLEMમાં એનસ્થેશિયાની, એલર્જી અને વિટામિનની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેરાસિટામોલ, એનિમિયાની દવાઓ સહિત મહત્વની દવાઓને પણ NLEMમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બદલાવ દર્દીઓ અને હેલ્થકેર સિસ્ટમ પર અસર કરશે, કારણ કે દર વર્ષે આવશ્યક દવાઓના ભાવમાં સુધારો થતો રહે છે.