Gandhinagar: ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આ આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છે.
સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જે પછી બેઠક યોજાઈ હતી, કોઈ ઠોસ નિર્ણય નહીં લેવાતા કર્મચારીઓએ આંદોલનની ગતિ વધુ તેજ કરી છે. હાલ 300થી વધુ કર્મચારીઓ માસ CL પર છે, અને જો માંગણીઓ પર યોગ્ય પગલાં નહીં લેવાય, તો 10 દિવસ પછી અનિશ્ચિત મુદતની હડતાલની ધમકી આપવામાં આવી છે.

મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીના જણાવ્યા અનુસાર, કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ ગ્રેડ-પે લાગુ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને પગાર સુધારણાનો સમાવેશ થાય છે. MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને આરોગ્ય સુપરવાઈઝર કેડરના કર્મચારીઓની આ માંગણીઓ છે.
કોરોના કાળમાં વોરિયર્સ તરીકે કામ કરનારા આ કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો છે. ટેકનિકલ અહેવાલ આપ્યા છતાં નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાંથી જ 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ લઈને આંદોલનમાં જોડાયા છે. મંડળ હવે જિલ્લાઓમાં બેઠકો યોજી આગામી આંદોલનની રણનીતિ નક્કી કરશે.