India: ભારત સરકાર દ્વારા આયોજિત ગણતંત્ર દિનની ઉજવણીમાં ગુજરાતના લોકપ્રિય મણિયારા રાસ નૃત્યને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે નવી દિલ્હી ખાતે વિવિધ રાજ્યો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમ અને ટેબ્લોની પ્રસ્તુતિ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય રંગશાળા શિબિરના “ઝંકાર હોલ”, દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા સંસ્કૃતિ પ્રદર્શિત કરવા માટે ભાગ લેવામાં આવ્યો હતો.
આ સ્પર્ધામાં ગોવાને પ્રથમ ક્રમ, ઉત્તરાખંડને બીજો ક્રમ અને ગુજરાતને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો, જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું. 21 મી જાન્યુઆરીએ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોની સાથે કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કર્યું, જે સૌ ગુજરાતીઓને ગૌરવ અનુભવવા લાયક છે. 76મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના આ પ્રસંગે ગુજરાતના પરંપરાગત મણિયારા રાસ નૃત્યને વિશેષ પ્રમાણ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધાનું આયોજન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપરિક નૃત્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. વિજેતા ટેબ્લોની જાહેર કરવામાં ચાર શ્રેણીઓમાં ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ભાગ લેનાર સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ સમારોહના અંતે ટ્રોફી સ્વીકારી હતી.