Technology: ગુજરાત પોલીસના આ નવીન પ્રયાસથી હવે ગુનેગારો માટે છટકી જવું મુશ્કેલ બનશે, કારણ કે પોલીસનું ‘ડ્રોન’ ઘટના સ્થળે ઝડપી પહોંચીને તેમની પર નજર રાખશે. ગુજરાત પોલીસે ગુનાખોરી રોકવા માટે એક નવીન પ્રયાસ તરીકે ‘અમોઘ’ હથિયાર તૈયાર કર્યું છે. ગુનેગારોને ઝડપવા અને અસામાજીક તત્વો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ હવે ડ્રોનનો ઉપયોગ કરશે.
રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયેલા આ પ્રયાસનો મુખ્ય હેતુ ગુનાખોરી પર અંકુશ મેળવવો અને પોલીસની કાર્યવાહી વધુ ઝડપી બનાવવી છે. આ ‘અમોઘ’ ડ્રોન (Amogh Drone) PCR વાન પહોંચે તે પહેલાં જ ગુનાસ્થળે પહોંચી જશે, જે ગુનેગારોને ઝડપવા માટે મદદરૂપ થશે. રાજ્યના ચાર મહાનગરઅમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના સંવેદનશીલ વિસ્તારોમાં આ ડ્રોન આપવામાં આવશે.
તાજેતરના વર્ષોમાં રાજ્યમાં અસામાજીક તત્વોની સંખ્યા વધતી જોવા મળી છે, જેના કારણે નિર્દોષ નાગરિકો અને સરકારી મિલકતોને નુકસાન થયું છે. આ સમસ્યા પર નિયંત્રણ મેળવવા ગુજરાત પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ ગુનેગારોને પકડવા ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત, 33 પોલીસ સ્ટેશનોમાં ડ્રોન મૂકવામાં આવશે, જે માત્ર 2-3 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી શકશે. મહત્વપૂર્ણ લૉકેન્શન્સ અને સંવેદનશીલ વિસ્તારો ડ્રોન મોનિટરિંગ માટે એડ કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ સફળ નિવડશે તો, તેને રાજ્યભરમાં વિસ્તૃત કરવાનું આયોજન છે.