Crime: અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એક નિવૃત્ત આર્મીમેને આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રીને મંદિરના પૂજારીઓએ બ્રેઇનવોશ કરી છે અને તેમના કબજામાં રાખી છે. આ ઉપરાંત, તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રીને રોજ ડ્રગ્સ આપવામાં આવે છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ સંજ્ઞા લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. અરજદારે અરજીમાં પોતાની પુત્રીને જાનનું જોખમ હોવાની સાથે તેને ગાંજા અને ડ્રગ્સનું નિયમિતપણે સેવન કરાવવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપો કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી, લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો હતો અને કેસની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીએ નક્કી કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!યુવતીને હાજર કરવાનું આદેશ: સરકારને નોટિસ, અમદાવાદ પોલીસ કમિશનરને સૂચના
જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ સહિત અનેક પક્ષકારોને કારણદર્શક નોટિસ જાહેર કરી છે. નોટિસમાં ઇસ્કોન સંસ્થાના નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, રિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એસજી હાઇવે પર સ્થિત ઇસ્કોન મંદિરમાં નિયમિત દર્શન માટે જતી યુવતી પર પૂજારીઓએ પ્રભાવ પાડ્યો હોવાનો પિતાનો આક્ષેપ છે. અરજદાર પિતાના મતે, પૂજારીઓએ યુવતીનું બ્રેઇન વોશ કરી તેની પર પ્રભાવ નાખ્યો અને 27 જૂન, 2024ના રોજ તે પૂજારી સાથે 23 તોલા સોનાં અને ₹3.62 લાખ રોકડ લઇ ભાગી ગઈ હતી. પિતાએ દાવો કર્યો છે કે તેમની પુત્રી પૂજારીઓની ગેરકાયદે કસ્ટડીમાં છે, જ્યાં તેને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે, જેનાથી તેણીના જીવન પર જોખમ ઊભું થયું છે.
અરજદારે આરોપ લગાવ્યો છે કે, ઇસ્કોન મંદિરના પૂજારી સુંદરમામાએ તેમના શિષ્ય સાથે તેમના પુત્રીનું લગ્ન કરાવવાનો હુકમ કર્યો હતો. પિતાએ આ મંગણી નકારી કાઢી હતી, કારણ કે તેઓએ તેમની દીકરીના લગ્ન સમાજની પરંપરાને અનુરૂપ કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી. આ નિર્ણય પછી તેમને ધમકીઓ મળતી હતી અને અંતે તેમના મથુરાના શિષ્ય સાથે યુવતીને ભગાડી દેવામાં આવી હતી.
કૃષ્ણ સ્વરૂપના આડંબરના આક્ષેપો
અરજદાર પિતાનું વધુ કહેવું છે કે, ઇસ્કોન મંદિરના પૂજારીઓ દર્શનાર્થે આવતી યુવતીઓનું બ્રેઇન વોશ કરે છે અને ધર્મના નામે આડંબર ફેલાવવામાં આવે છે. પૂજારીઓનો દાવો છે કે તેઓ કૃષ્ણ સ્વરૂપ છે અને મંદિરની 600 યુવતીઓ ગોપી તરીકેની ભૂમિકા નિભાવે છે. માતા-પિતાની મહત્તા કરતાં ગુરુની મહત્તા છે તેવું માનવા માટે ભક્તોને મજબૂર કરવામાં આવે છે.