Health: ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં થયેલા હોબાળાના પગલે સરકારે હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર અને અન્ય ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ નોંધાયેલા થોડા જ કલાકોમાં 19 દર્દીઓના આરોગ્ય સાથે નુકસાન પહોંચાડનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, ડોક્ટર સંજય પટોળિયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને જાણવા મળે છે કે તે રાજકોટ અને સુરતની તેમની હોસ્પિટલોમાં પણ સંકળાયેલા છે. આ ખ્યાતિકાંડ સર્જનાર ડોક્ટર સંજય પટોળિયા જ હોવાનું સામે આવ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનાર અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલના CDMO, ડૉ. પ્રકાશ મહેતાએ જણાવ્યું કે, તપાસમાં જાણ થઈ છે કે ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નથી. આ મુદ્દે અમારી તરફથી નોટિસ પાઠવવામાં આવી છે.
ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, અને તેના પગલે 2 દર્દીઓનાં મૃત્યુ થયાં. આ ઘટનામાં તપાસ પછી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા, સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ CDMO ડૉ. પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે.
આ પાંચ લોકો સામે ગુનાની નોંધણી કરાઈ
- ડો. પ્રશાંત વઝીરાણી
- ડો. કાર્તિક પટેલ
- ડો. સંજય પટોળિયા
- રાજશ્રી કોઠારી
- ચિરાગ રાજપૂત, CEO
ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન થયેલું જ નથી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના CDMO ડૉ. પ્રકાશ મહેતાએ જણાવ્યું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બાલીસણા ગામના દર્દીઓને જરૂર ન હોવા છતાં તપાસ કરવી, બિનજરૂરી સારવાર આપવી, અને જીવને જોખમમાં મૂકવાની સાથે મૃત્યુ નિપજાવવાના કેસો સામે આવ્યા છે.
યોગ્ય સંમતિપત્રક પર સહી ન લેવી અને બેદરકારી દાખવવાના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. CDMO ડૉ. પ્રકાશ મહેતાએ જણાવ્યું કે, હોસ્પિટલ પાસે ગુજરાત નર્સિંગ હોમ એક્ટ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી છે, પરંતુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જરૂરી રજિસ્ટ્રેશન કરાવેલું નથી. તેથી, અમે હોસ્પિટલને નોટિસ આપી છે કે તેઓએ શા માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. નોંધનીય છે કે, આ એક્ટમાં, મંડલ અંધાપાકાંડ પછી સુધારા કરવામાં આવ્યા છે, અને તે અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મંજૂરી લેવાની કાર્યવાહી થયેલી નથી.