Gujarat: ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થયેલા રામજીભાઈ મેરની શોધખોળ આજે ૧૧મો દિવસ પૂર્ણ થયા છતાં કોઈ સુરાગ ન મળતા તેમના પરિવારમાં ભારે દુઃખ અને આક્રંદ વ્યાપી ગયો છે. ૨૮ ફેબ્રુઆરીએ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર, વિરાજ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિ ભીખાભાઈ મેર ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને માછીમારી કરવા નીકળ્યા હતા. બાદમાં, ૨ માર્ચે વિરાજ રાઠોડ અને શાંતિ મેર બોટ સાથે પરત ફર્યા, પરંતુ રામજીભાઈ મેર સાથે ન હતા. પરિવારે પૂછપરછ કરી તો બંને માછીમારોના જવાબોમાં સ્પષ્ટતા ન હોવાથી શંકા ઊભી થઈ, અને મરીન પોલીસને જાણ કરવામાં આવી.
Thank you for reading this post, don't forget to subscribe!૪ માર્ચે ઘોઘાના માછીમારો દ્વારા ૭ બોટ અને ૨૦ બાઈક સાથે દરિયાઈ અને કિનારાના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરાઈ, તેમજ મરીન પોલીસ દ્વારા બે દિવસ સુધી ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરવામાં આવી. તેમ છતાં રામજીભાઈ મેરનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારના મુખ્ય આધારસ્તંભ ગણાતા અને ત્રણ સંતાનોના પિતા રામજીભાઈના ગુમાવાને કારણે સમગ્ર પરિવાર શોકમાં છે, જ્યારે આસપાસના લોકો પણ દુઃખી છે.

હાલ મરીન પોલીસ દ્વારા વિરાજ રાઠોડ અને શાંતિ મેરને કસ્ટડીમાં લઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં ગંભીર ખુલાસા થઈ શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગણી કરી છે, તેમજ મરીન પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને, ભાવનગર દરિયાઈ પટ્ટાની સુરક્ષા માટે મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે, જે હાલ મેન્ટેનન્સના અભાવે બંધ છે.
જ્યારે પેટ્રોલિંગ માટે બોટ જ નથી, ત્યારે ૧૫૨ કિમીના દરિયાઈ પટ્ટાની સુરક્ષા કેવી રીતે થાય? દરિયામાં માછીમારોના જીવન માટે આ જોખમી સ્થિતિ ઊભી થઈ છે. જો કોઈ ગંભીર ઘટના બને તો બચાવ કામગીરી કેવી રીતે થશે? – આવા અનેક પ્રશ્નો માછીમારોમાં ઉઠી રહ્યા છે.