Entertainment: ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક મોટી ખબર સામે આવી છે. શોમાં લાંબા સમય પછી ‘દયાબેન’ની વાપસી થવા જઈ રહી છે. જો કે, મહત્વની વાત એ છે કે દિશા વાકાણી નહીં, પણ એક નવી અભિનેત્રી દયાબેનની ભૂમિકામાં જોવા મળશે. ઘણા વર્ષોથી દર્શકો દયાબેનના કમબૅકની રાહ જોઈ રહ્યા હતા, અને હવે નિર્માતાઓએ આ મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. દિશા વાકાણી, જેમણે વર્ષોથી દયાબેનનું પાત્ર ભજવ્યું, હવે શોમાં જોવા નહીં મળે. મળતી માહિતી મુજબ, શોની ટીમે નવી દયાબેન સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે.
નવા દયાબેન માટે નિર્માતાઓએ ઓડિશન લીધું
શોના નિર્માતા અસિત મોદી લાંબા સમયથી દયાબેનના પાત્ર માટે યોગ્ય અભિનેત્રીની શોધમાં હતા. હવે તેમની શોધ પૂર્ણ થઈ ગઈ છે, નવી દયાબેન કોણ હશે તે હજી જાહેર કરાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં નિર્માતાઓ નવી અભિનેત્રી સાથે મોક શૂટ કરી રહ્યા છે. જોકે, શોની ટીમ અથવા નિર્માતાઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
શો છોડવાનું દિશા વાકાણીનું કારણ
નિર્માતા અસિત મોદીએ આ વર્ષે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે દિશા વાકાણી હવે શોમાં પરત નહીં ફરે. તેના બે બાળકો છે, અને તે મારા માટે બહેન સમાન છે. આજેય અમારા પરિવાર સાથે ગાઢ સંબંધ છે.’ જણાવી દઈએ કે, દિશા વાકાણીએ ગર્ભાવસ્થાના કારણે 2018માં પ્રસૂતિ રજા લીધી હતી. ત્યારબાદ, લગ્ન અને માતૃત્વની જવાબદારીઓને લીધે તે શોમાં પરત ફરી નથી. હાલમાં તે તેના બંને બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.