Gujarat: ગુજરાત જેલ વિભાગના વડા, પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ (I.P.S) સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અને ભાવનગર જિલ્લા જેલના અધિક્ષકશ્રી એલ.એમ. રાઠોડના પ્રયત્નોથી ૧૨ પાકા કામના કેદીઓની વહેલી મુક્તિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
Thank you for reading this post, don't forget to subscribe!મે. જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરના અધ્યક્ષસ્થાન હેઠળ જેલ સલાહકાર સમિતિમાં થયેલી ચર્ચા બાદ, ૧૧ કેદીઓને હકારાત્મક અભિપ્રાય મળ્યો. ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ અનુસાર, જેલ નિયમો પ્રમાણે ૧૪ વર્ષની સજા પૂર્ણ કરનાર ૯ કેદીઓની બાકીની સજા માફ કરી, BNSS-૨૦૨૩ની કલમ ૪૭૩ હેઠળ વહેલી મુક્તિ આપવામાં આવી.
આ કેદીઓએ જેલ જીવન દરમિયાન સારી વર્તન રજૂ કરી, ભૂલનો પશ્ચાતાપ વ્યક્ત કર્યો અને વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ઉપરાંત, તેમણે વિવિધ જેલ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવી હતી. મુક્ત થયેલા કેદીઓમાં નીતિનભાઇ ઝાલા, અશોકભાઇ ઝાલા, નિલેષભાઇ ઝાલા, ભરતભાઇ બારૈયા, સબુરભાઇ ડાભી, જીણાભાઇ ડાભી, પ્રવિણભાઇ કામ્બડ, કિશોર ઉર્ફે પોપટ ચુડાસમા, અને ધીરૂભાઇ ભીલનો સમાવેશ થાય છે.
વિદાય સમયે, અધિક્ષકશ્રી એલ.એમ. રાઠોડ દ્વારા કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપવામાં આવી અને જીવન શાંતિમય અને સુખમય રીતે જીવવાની શુભકામનાઓ પાઠવી. સાથે જ, ભૂલનું પુનરાવર્તન ન કરવા માટે જાગૃતિ પ્રવર્તાવી. વહેલી મુક્તિ પામનારા કેદીઓના પરિવારજનો ભાવુક થયા હતા અને આ નિર્ણયને સામાજિક પુનર્વસન તરફનો અમૂલ્ય પ્રયત્ન ગણાવ્યો.