Crime News: ભાવનગર શહેરના નારી ચોકડી વિસ્તારમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઓવરબ્રિજની નીચેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથધરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે ઊભેલા એક શખ્સ પાસેથી બે ખાખી કાપડના કોથળામાં છુપાવેલી દારૂની બોટલ મળી આવી. તપાસમાં આરોપીની ઓળખ પાલિતાણા, નવાગઢના રહીશ મહમદભાઈ ઇસુભાઈ સમા (ઉ.વ. 40) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી દારૂની કુલ 19 બોટલ મળી આવી છે, જે દાદરા-નગર હવેલી તથા દમણ-દીવ વિસ્તારમાં વેચાણ માટેની હતી. કુલ મુદામાલની કિંમત અંદાજે રૂ. 65,865 છે. આરોપીના સાગરીત રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા હજુ ફરાર છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
અકવાડા વિસ્તારમાં મંદિરમાં સૂતા શખ્સ પર ત્રણ શખ્સોનો હુમલો

ભાવનગરના અકવાડા વિસ્તારમાં રામાપીરના મંદિરમાં આરામ કરતા એક શખ્સ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, રમેશભાઈ ઉર્ફે રામભાઈ બારૈયાએ કહ્યું કે 20 દિવસ અગાઉ પોથીયાત્રા દરમ્યાન થયેલા વિવાદના લીધે વિશાલ ઉર્ફે ડુંગળી અરજણભાઈ જેઠવા અને તેમના સાથીઓએ પાઈપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાના સ્થળે તેઓ મંદિરમાં આરામ કરી રહ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
ભાવનગરમાં ગંજી પત્તાના જુગારમાં ચાર શખ્સ ઝડપાયા, રોકડ રકમ જપ્ત

સ્થાનિક ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા શહેરના કરચલિયા પરા વિસ્તારમાં ચાલતા હાથ કાફના જુગારમાં રેડ પાડી ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે રેડ દરમિયાન સંજય શંકર રાઠોડ, રોહિત લલિત યાદવ, રાહુલ અરવિંદ ચુડાસમા અને અજય જયંતિ ચૌહાણને ઝડપી લીધા હતા. આ કેસમાં રૂ. 15,400 રોકડ તથા જુગાર રમવામાં ઉપયોગ થયેલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને વધુ કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.