Bhakti Sandesh: ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં થયેલા ફેરફારને કારણે વિવાદ ઊભો થયો છે. મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં, પણ નીચે ઊભા રહી કરવામાં આવી. ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યો છે કે આરતી દરમ્યાન વારાદારો સિંહાસન અથવા તેના પાટીયા પર ઊભા રહી શકશે નહીં. આ નિર્ણયને કારણે સેવકો અને વૈષ્ણવ સમુદાયમાં ભારે અસંતોષ ફેલાયો છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આરતીના પરંપરાગત રીતમાં થયેલા ફેરફારને લઈને વિવાદ ઊભો થયો છે. મંદિર સેવકોએ ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે અને પરંપરામાં કોઈપણ ફેરફાર સ્વીકાર્ય ન હોવાની સ્પષ્ટતા કરી છે. આ સાથે, આરતી દરમિયાન પોલીસ અધિકારીઓ નિજ મંદિરમાં પ્રવેશતા પૂજારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો. વૈષ્ણવ સમાજની સતત પ્રતિક્રિયાઓને કારણે વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
99 દિવસ અગાઉ આરતી દરમિયાન એક ઘટના બની હતી, જેમાં આરતી ઉતારતા સમયે સાથે ઊભેલા પૂજારીનો ખેસ સળગ્યો હતો. આ ઘટનાને પગલે ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યો છે કે આરતી દરમ્યાન કોઈ પણ વારાદારી સિંહાસન કે તેના પાટીયા પર ઊભા રહી શકશે નહીં અને હવે આરતી માત્ર નીચેથી જ કરવામાં આવશે. પૂજારીઓ ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તેઓનો આક્ષેપ છે કે સમિતિએ તેમની સંમતિ વિના આ નિયમ અમલમાં મૂક્યો છે.
કમિટીના નિર્ણયથી વૈષ્ણવ ભક્તોમાં આક્રોશ
કમિટીના આ નિર્ણયથી વૈષ્ણવ ભક્તોમાં અસંતોષ છે. આરતી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સેવકોમાં નારાજગી જોવા મળી, અને તેઓએ આરોપ લગાવ્યો કે”ગુનેગાર” તરીકે વર્તન થયું.
મંદિર કમિટીનું કહેવું છે કે આરતી પહેલાં સિંહાસન ઉપરથી થતી હોવાથી ભક્તોને સંપૂર્ણ દર્શન મળતા ન હતા. હજારો ભક્તોએ આરતી નીચે કરવાની માંગણી કરી, જેથી દર્શન સરળ બને. કમિટીએ દાવો કર્યો કે આ ફેરફરથી ઠાકોરજીની સેવા પ્રણાલી પર કોઈ અસર થશે નહીં. કમિટીનું વધુ કહેવું છે કે માત્ર મીડિયા પ્રસારમાં રસ ધરાવતા લોકો જ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.