Surat: જે ક્રાઇમ કેપિટલ તરીકે ઓળખાય છે, ત્યાં મહિલાઓની સુરક્ષા આજના સમયમાં ગંભીર મુદ્દો બની રહ્યો છે. વધતી જતી દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓને પગલે હવે શહેરની દીકરીઓ આત્મરક્ષા માટે શસ્ત્રકલા શીખવા માટે આગળ આવી છે. હિન્દુ યુવા સેનાની આગેવાની હેઠળ શહેરના ત્રણ વિસ્તારોમાં તલવાર, દંડપટ્ટા, લાઠી અને કાઠી જેવી પરંપરાગત શસ્ત્રકળાઓની નિપુણ તાલીમ આપવામાં આવી રહી છે, જેનાથી દીકરીઓને પોતાના બચાવ માટે સજ્જ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ તાલીમ શિબિરો દર રવિવારે યોજાય છે અને તેમાં 5 થી 23 વર્ષની વય જૂથની અંદાજે 250થી વધુ દીકરીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. લવ જેહાદ, છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે લડવા માટે આ યુવતીઓ આત્મવિશ્વાસથી ભરપૂર બની રહી છે અને શસ્ત્રકલા દ્વારા પોતાને મજબૂત બનાવી રહી છે.
શસ્ત્રકલા સાથે આધ્યાત્મિક સંસ્કારનું સંયોજન

આ કાર્યક્રમ માત્ર શસ્ત્રકલા સુધી જ સીમિત નથી, તેમાં દીકરીઓને ભાગવદ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન પણ આપવામાં આવે છે, જેથી તેમની શારીરિક શક્તિ સાથે આંતરિક શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થઈ શકે. હિન્દુ યુવા સેના દ્વારાના સ્લમ અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતી દીકરીઓ માટે આ પહેલ આશાનું કેરણ બની છે. કાર્યકર્તા વૈભવ સોનવણે જણાવે છે કે, છેલ્લા ઘણા દુષ્કર્મના કિસ્સાઓમાં સગીર દીકરીઓ શિકાર બની છે, જેને કારણે વાલીઓમાં ભયનો માહોલ છે. આવી તાલીમ તેમને આત્મવિશ્વાસ આપે છે અને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવે છે.
તાલીમમાં ભાગ લેનારી ચૈતાલી પાટીલ પોતાના અનુભવથી કહે છે, “એક વખત હું અને મારી બે બહેનો બહાર ગયા હતા ત્યારે એક અજાણ્યો યુવક પીછો કરતો હતો. પણ તાલીમ લીધા પછી ભય લાગ્યો નહીં અને અમારામાં એટલો આત્મવિશ્વાસ હતો કે અમે તેને ડરાવ્યા વગર સામનો કરી શક્યાં.”