Bhavnagar News Crime: હીરાના દલાલ અને ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ, એક આરોપીની ધરપકડ
ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈશ્વરભાઈ શામજીભાઈ ભડોરીયા અને ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા વિરુદ્ધ હીરાના પૈસાની લેતીદેતીને લઈને ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગરના સિદસર રહેતા માવજીભાઈ ધામેલીયાએ વિશ્વાસઘાત કરી ઓળવી જઈ પરત નહીં આપી ઉચાપત કરી હોવાની બંને વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 96,36,828, ની કિંમતના હીરાના પૈસા આપવામાં ઈશ્વરભાઈ શામજીભાઈ ભડોરીયા અને ઘનશ્યામભાઈ ગોરસીયાએ મેળાપીપણું કરીને આર્થિક નુકશાન હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે નિલમબાગ પોલીસે ઈશ્વરભાઈ શામજીભાઈ ભડોરીયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરમાં યુવાનની જાહેરમાં હત્યા, એક આરોપીની ધરપકડ

ભાવનગર: શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બુદ્ધદેવ સર્કલ નજીક એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. વિશાલભાઈ બુધાભાઈ વાજા નામના યુવક પર છરી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મૃતકના બહેને જણાવ્યું કે પાંચ જેટલા લોકોએ તેમના ભાઈ પર હુમલો કર્યો હતો. DSPએ માહિતી આપતા જણાવ્યું કે વિશાલ અને રવિ નામના બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે મારામારીમાં પરિણમ્યો હતો. દરમિયાન રવિએ વિશાલ પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે આરોપી રવિની ધરપકડ કરી લીધી છે અને હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.
જેસર: પ્રેમલગ્ન કરનાર યુવકના મામા પર હુમલો, હોસ્પિટલમાં ખસેડાયા

જેસર: જેસર તાલુકામાં એક યુવકે પ્રેમલગ્ન કરતાં યુવતીના સગાંઓએ યુવકના મામા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. કિશોરભાઈ મગનભાઈ વિરાસ નામના યુવકના મામાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુવકના પ્રેમલગ્નના કારણે નારાજ થયેલા યુવતીના 15 થી 17 જેટલા સગાંઓએ આ હુમલો કર્યો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
અહેવાલ: ફિરોજ મલિક, ભાવનગર