Government: ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલુ રહેલી આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજથી પુરી થઇ ગઈ છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા અને ઓફિસ સમય દરમિયાન ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, 33 જિલ્લામાંથી આવેલા પ્રમુખો, મહામંત્રીઓ અને મુખ્ય કન્વીનરોની સંયુક્ત કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હડતાળને હાલ માટે ત્રણ મહિના સુધી સ્થગિત કરવામાં આવે. આ અવધિ દરમિયાન સરકાર કર્મચારીઓની માંગણીઓ પર નિર્ણય લે તેવી અપેક્ષા છે. આંદોલન દરમિયાન રાજ્ય સરકારે એસ્મા લાગુ કરીને 2100થી વધુ કર્મચારીઓને હટાવવાનો આદેશ આપ્યો હતો. મોરીએ જણાવ્યું હતું કે, હવે સરકાર એસ્મા હેઠળની કાર્યવાહી માટે હકારાત્મક અભિગમ દાખવશે અને ગ્રેડ પે જેવી માંગણીઓ પર પણ ચર્ચા કરવા તૈયાર છે.
જો આગામી ત્રણ મહિનાની અંદર સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ સ્પષ્ટ પગલું જેમ કે જી.આર., ઠરાવ કે નિર્ણય ન આવે, તો ફરી હડતાળ શરુ કરવામાં આવશે. તે માટે રાજ્યના તમામ 33 જિલ્લાઓના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. મહાસંઘે ચેતવણી આપી છે કે, હડતાળ સ્થગિત થયેલી હોવાથી હવે કોઈ પણ કર્મચારી જો ઓફિસ હાજરીથી ગેરહાજર રહેશે, તો તેની જવાબદારી મહાસંઘ નહીં લે.