World: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે વિશ્વભરના દેશો પર ટેરિફ લાગૂ કર્યાના પગલે વૈશ્વિક બજારમાં ગભરાટ જોવા મળ્યો છે. આ આકસ્મિક પગલાની અસર વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાવા લાગી છે, અને અનેક દેશો હવે આ મુદ્દે અમેરિકા સાથે વાતચીતની પ્રક્રિયામાં જોડાઈ ગયા છે.
ટ્રમ્પે કેનેડા અને ચીન સામે વળતો ટેરિફ લગાવવાની ચિમકી આપી છે. તે જ સમયે, 50થી વધુ દેશોએ અમેરિકાની ટેરિફ નીતિ અંગે ચર્ચા કરીને સમાધાન શોધવા માટે સંકેત આપ્યો છે. ભારત પણ સંલગ્ન છે અને તેણે સ્પષ્ટ કર્યું છે કે તે 26% ટેરિફ સામે વળતી કાર્યવાહી કરવાની યોજના નથી બનાવી રહી.
મંદીના સંકેત અને અર્થતંત્ર પર અસર
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકાની GDPમાં આશરે 0.3 ટકાનો ઘટાડો થઈ શકે છે. તે જ સમયે, બેરોજગારીનો દર 4.2% થી વધી 5.3% સુધી પહોંચવાની આશંકા છે. આ સંજોગોમાં વૈશ્વિક મંદીનો ખતરો વધુ ગંભીર બની રહ્યો છે.
તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેે રવિવારે ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી અને શૂન્ય ટેરિફનો પોકાર કર્યો હતો. લાઈએ કહ્યું કે તાઈવાનની કંપનીઓ અમેરિકામાં પોતાનું રોકાણ વધારશે. બીજી તરફ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ટેરિફ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે સોમવારે ટ્રમ્પ સાથેની બેઠકમાં તેઓ ઈઝરાયલી વસ્તુઓ પર લાગેલા 17% ટેરિફમાં છૂટછાટની માંગ કરશે.