India: પેન્શન સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેને કારણે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતી મહિલાઓ માટે આર્થિક સુરક્ષામાં વધારો થશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે નવનિયમિત પેન્શન નિયમોની જાહેરાત કરી છે, જે મુજબ છૂટાછેડા લીધેલી કે અલગ રહેતી દીકરીઓ હવે કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના સીધું જ પોતાના મૃત માતા-પિતાનું પેન્શન ક્લેમ કરી શકે છે.
આ નવા નિયમોની જાહેરાત કરતાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “આ સુધારાથી બ્યુરોક્રેટિક પડકારોને દૂર કરી મહિલાઓને તત્કાલ ફાઇનાન્શિયલ રાહત મળી શકશે. અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે મહિલાઓને તેમના હક માટે લાંબી લડત લડવી ન પડે.”
નવા નિયમ મુજબ, જો કોઈ મહિલા છૂટાછેડા લેવા માટે કેસ ફાઈલ કરી ચુકી છે, તો તેણી પોતાના પતિના બદલે પોતાના બાળકોને ફેમિલી પેન્શન માટે નૉમિનેટ કરી શકે છે. આ નિર્ણયથી પીડિત મહિલાઓ માટે આર્થિક સહાય વધુ સરળ બનશે અને તેઓને ઝડપી ન્યાય મળી શકશે. મહિલાઓ માટે આ બદલાવ મહત્ત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, કેમ કે તે તેમના આર્થિક હકને સુરક્ષિત કરી તેમને સ્વતંત્ર બનાવશે.