ઠાકોર સમાજના કલાકારોની અવગણના, વિક્રમ ઠાકોરની નારાજગી

Ignoring Thakor community artists: Vikram Thakor's displeasure

3 Min Read


Entertainment: ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા લોકપ્રિય ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે આ મુદ્દે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સરકાર પર ઠાકોર સમાજ સાથે પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે. ગેનીબેન ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું કે, “ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ ભાજપની નીતિ રહી છે. કલાકારોનો સન્માન સમારંભ યોજાય અને તેમાં ઠાકોર સમાજના કલાકારોને જ ભૂલાવી દેવામાં આવે તે સહનશીલ નથી.

Thank you for reading this post, don't forget to subscribe!

વિક્રમ ઠાકોર અને નવઘણજી ઠાકોરની નારાજગી

વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોર સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, “જ્યારે મને ખબર પડી કે વિધાનસભામાં અન્ય લોકકલાકારોનું સન્માન થયું છે, પણ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું નથી, ત્યારે દુઃખ થયું.” આ બાબતે એક મિત્રે પણ તેમને જાણ કરી હતી, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી. નવઘણજી ઠાકોરે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “બાકીના બધા સમાજના કલાકારોને બોલાવી સન્માનિત કરવામાં આવ્યા, તો પછી ઠાકોર કલાકારોને કેમ અવગણવામાં આવ્યા?”

વિક્રમ ઠાકોરે કરી સરકારને અપીલ

વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા આપી હતી કે, “જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા, તેઓ નિશ્ચિતપણે એ સન્માન માટે યોગ્ય હતા. પણ ઠાકોર સમાજના કલાકારો પણ સમાન સન્માનને હકદાર છે. અમે પણ આક્ષેપ કરવા માંગતા નથી, પણ જે થઈ રહ્યું છે તે ન્યાયસંગત નથી.” તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, “જ્યારે પણ ભવિષ્યમાં કોઈ કલાકારો માટે સન્માન સમારંભ યોજાય, ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ નિષ્પક્ષ રીતે આમંત્રણ આપવામાં આવે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઠાકોર સમાજ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરતો સમાજ છે. અમને અવગણવા એ કોઈ પરિસ્થિતિમાં યોગ્ય નહીં ગણાય.”

ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે હવે ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ ચર્ચા ઉછળતા આ મુદ્દો વધુ ગરમાયો છે. હવે જોવું રહ્યું કે, સરકાર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03