Crime: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. એક આધેડ ભૂવાએ પાંચ વર્ષની બાળકીની તાંત્રિક વિધિના નામે બલિ ચડાવીને હત્યા કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
આ ઘટનામાં, લાલુ હિંમત તડવી નામના ભૂવાએ તમામ માનવતાની હદો વટાવી દીધી હતી. તેણે બાળકીને પોતાના ઘરે લઈ જઈને વિધિ કરી અને કુહાડી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, તેણે બાળકીના નાના ભાઈની પણ બલિ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ સમયસર પહોંચીને બાળકને બચાવી લીધો હતો. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસ અને મામલતદારની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે આરોપી લાલુ હિંમત તડવીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.