INDIA: દિલ્હીના દક્ષિણ જિલ્લામાં 23 શાળાઓને બોમ્બથી ફૂંકી મારવાની ખોટી ધમકી આપનારો એક સગીર વિદ્યાર્થી નીકળ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ ઈમેઈલ મારફતે શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરાવવાની ખોટી ધમકી આપી હતી. પોલીસે તેની અટકાયત કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિદ્યાર્થીએ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતાં ઈમેઈલ મોકલવાના ષડયંત્રની રચના કરી હતી. તેને કબૂલાત કરી છે કે તે જ આ ધમકીભર્યા ઈમેઈલ મોકલતો હતો. આ પહેલા પણ દિલ્હીની 3 શાળાઓને આવી ધમકી મળવાના કિસ્સાઓ ઉકેલવામાં આવ્યા હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓ જ સંડોવાયેલા હતા.
પરીક્ષા સ્થગિત કરવા માટે ષડયંત્ર
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, એક જ શાળાના બે ભાઈઓએ પરીક્ષા રદ કરાવવા માટે શાળાના ઈમેઈલ પર બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકી આપી હતી. કાઉન્સિલિંગ દરમિયાન બંને ભાઈઓએ સ્વીકાર્યું કે, આ વિચાર તેમને શાળાઓને મળતી બોમ્બની ધમકીઓના સમાચાર વાંચ્યા પછી આવ્યો હતો. પોલીસને હકીકત ખબર પડ્યા બાદ તેઓને ચીમકી આપીને છોડી મૂકવામાં આવ્યા.
ગતવર્ષે 44 શાળાઓને મળેલી ધમકી
ગત વર્ષે, દિલ્હીની 44 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી, જેમાં કેટલીક શાળાઓ પાસે $1 લાખની ખંડણી માગવામાં આવી હતી અને ન ચુકવવામાં આવે તો 72 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી.